દરશડીમાં મિત્ર સાથે નશાની હાલતમાં આવેલા શખ્સનો પત્ની ઉપર હુમલો

ભુજ, તા. 1 : માંડવી તાલુકાના દરશડી ગામે ગામના વાડી વિસ્તારમાં ધનબાઇ બાબુભાઇ જોગી (ઉ.વ.45) ઉપર તેના પતિ બાબુભાઇ જોગીએ તેના મિત્ર રાયણ ગામના મનુ મીઠુ જોગી સાથે નશાયુકત હાલતમાં આવીને લોખંડના પાઇપ વડે હુમલો કરવા સાથે માથામાં ઇજા પહોંચાડયાનો કિસ્સો બહાર આવ્યો છે. તો બીજીબાજુ અબડાસામાં વિંઘાબેર ગામે થયેલા હુમલામાં ગામના પૂજાબા જીવુભા સરવૈયા (ઉ.વ.25) અને તેની માતાને ઇજાઓ થઇ હતી.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર દરશડી ગામના વાડી વિસ્તારમાં ધનબાઇ જોગી ઉપર ગઇકાલે સાંજે હુમલો થયો હતો. તેમને વધુ સારવાર માટે ગઢશીશાથી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. ધનબાઇના પુત્ર રમેશે પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ તેના પિતા બાબુ જોગી અવારનવાર ત્રાસ આપે છે. દરમ્યાન બાબુએ તેના મિત્ર મનુ જોગી સાથે નશાયુકત હાલતમાં આવીને આ હુમલો કર્યો હતો. બીજીબાજુ જખૌ પોલીસ મથક હેઠળ આવતા વિંઘાબેર ગામે ગઇકાલે બપોરે કુહાડી વડે હુમલો થવાના કિસ્સામાં પૂજાબા સરવૈયા અને તેમની માતાને ઇજાઓ થઇ હતી. ભોગ બનનારા માતાપુત્રી તેમના દાદાના ફળિયામાં સાફસફાઇ કરી રહ્યા હતા ત્યારે ગામના વિરમાસિંહ પાંચુભા સરવૈયા અને તેના ભાઇ ઉપેન્દ્રાસિંહે આ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer