માતાનામઢ-રવાપર વચ્ચે જંગલમાં વાગડનો યુવક ફાંસો ખાધેલો મૃત મળ્યો

માતાના મઢ (પ્રતિનિધિ દ્વારા), તા. 1 : લખપત તાલુકામાં માતાના મઢથી છ કિ.મી. દૂર રવાપર ગામ તરફના જંગલ વિસ્તારમાં બાવળોની ઝાડીઓ વચ્ચે અંદાજિત 25થી 30 વર્ષની વયના અજાણ્યા યુવકની કોહવાયેલી અને અત્યંત દુર્ગંધ મારતી લાશ મળી આવતાં આ કિસ્સાએ ભેદ સર્જ્યા બાદ મોડેથી તેની ઓળખ થતાં આ હતભાગી રાપરના રામવાવનો હમીરા ગોવિંદ સોનારા આહીર  (ઉ.વ. 30) હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિકે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા શકય ન હોવાથી મૃતદેહને જામનગર ખાતે રવાના કરાયો છે. માતાના મઢ અને રવાપર વચ્ચે મુખ્ય માર્ગથી પશ્ચિમે ડુંગરાળ વિસ્તારમાં બાવળોની ઝાડીઓ વચ્ચેથી આજે બપોરે બાવળના ઝાડમાં રસ્સી વડે લટકી રહેલો આ મૃતદેહ મળી આવ્યો હતો. આ વિશે પોલીસને જાણ કરાતાં દયાપર પોલીસ મથકના સહાયક ફોજદાર ઝાહિદ મલેક અને સ્ટાફના સભ્યોએ સ્થાનિકે ધસી જઇ જરૂરી કાયદાકીય પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. આ પછી કેસની તપાસ સબ ઇન્સ્પેકટર શ્રી ગેલોતે સંભાળી હતી.  પોલીસ સાધનોના જણાવ્યા મુજબ મરનારનું મૃત્યુ 10થી 15 દિવસ પહેલાં થયાનું લાગી રહ્યું છે. મૃતદેહ કોહવાઇ જવા સાથે ભારે દુર્ગંધ મારી રહ્યો છે અને તેમાં જીવાત પણ પડી ગઇ છે. આ સ્થિતિમાં સ્થાનિકે પોસ્ટમોર્ટમ શકય ન હોવાથી લાશને આ માટે જામનગર રવાના કરાઇ છે. જયાંથી અહેવાલ આવ્યા બાદ મૃત્યુના સાચા કારણો સહિતની વિગતો સ્પષ્ટ થવાની ધારણા સેવાઇ રહી છે.  દરમ્યાન મૃતક પાસેથી કાંઇ જ ન મળ્યું હોવાથી તેની ઓળખ તેની અટવાઇ હતી, પરંતુ પોલીસે સર્વગ્રાહી તપાસ હાથ ધરીને તેની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. મૃતકના ભાઈએ આવીને આ યુવકને ઓળખી બતાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer