ભુજમાં સત્તાપક્ષ-વિપક્ષ, મુખ્ય અધિકારી વચ્ચે ત્રિપાંખિયો જંગ ચર્ચાની એરણે

ભુજ, તા. 1 : શહેરમાં સત્તાપક્ષ-વિપક્ષ અને મુખ્ય અધિકારી વચ્ચેના ત્રિપાંખિયા જંગને પગલે ઊકળતા ચરૂ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ જંગ વચ્ચે સુધરાઇના કર્મચારીઓએ પણ સત્તાપક્ષ સામે બાંયો ચડાવતાં સૌ મોઢામાં આંગળાં નાખી ગયા છે. એક તરફ નારાજ સત્તાપક્ષના નગરસેવક દિલીપ હડિયાએ મગાયેલી માહિતી નહીં મળે તો તા. 3/7થી ભુજ સુધરાઇ કચેરી સામે પ્રતીક ઉપવાસ પર બેસવાની તૈયારી આદરી છે. જ્યારે બીજી તરફ મુખ્ય અધિકારીને અપાયેલા ઠપકા ઠરાવમાં ફેરફારની ચર્ચા જામી છે.   ઉપરાંત સુધરાઇના અમુક કર્મચારીઓએ એવો પણ સવાલ ઊઠાવ્યો હતો કે, કાયમી કર્મચારીને રજાની જોગવાઇ હોય પરંતુ ફિક્સ, રોજંદાર અને કોન્ટ્રાક્ટ બેઝવાળા કર્મચારીઓને રજા કપાત પગારે મળતી હોય છે ત્યારે સત્તાપક્ષ-વિપક્ષ અને મુખ્ય અધિકારી વચ્ચે ત્રિપાંખિયા જંગમાં સુધરાઇના કર્મીઓ માસ સી.એલ. પર ઉતરતાં શહેરના અનેક અરજદારોને ધક્કા ખાવા પડયા હતા. જેથી આ કૃત્ય સામે ખુદ મુખ્ય અધિકારી કેવાં પગલાં લે છે તેના પર મીટ મંડાઇ છે. ભુજ સુધરાઇની સામાન્ય સભામાં લોકલક્ષી થયેલાં કામો અને ન થયેલાં કામોની ચર્ચા તો સભાની પુસ્તિકામાં જ રહી ગઇ પરંતુ મુખ્ય અધિકારીને ઠપકો આપતા ઠરાવની આગના ધુમાડા શમવાનું નામ નથી લેતા. એ ઠરાવમાં સત્તાપક્ષ દ્વારા ફેરફાર કરાય તેવી વાત સૂત્રોમાંથી જાણવા મળતાં પ્રમુખ લતાબેન સોલંકીનો સંપર્ક સાધતાં હજુ એવી કોઇ વિચારણા નથી, પણ જે નિર્ણય લેવાશે તે સામૂહિક ધોરણે લેવાશે તેમ કહ્યું હતું. દરમ્યાન વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાની આગેવાનીમાં સાથી નગરસેવકોએ આજે કલેક્ટરને આવેદન પત્ર આપી ઠપકા ઠરાવ રદ્દ કરવા સહિતની માંગ કરી હતી. ઉપરોક્ત તમામ બાબતોને પગલે ભુજ શહેરના જાગૃતોએ રાજકીય કાવાદાવા નિહાળી સમસ્યાઓ અંગે કોની પાસે ફરિયાદ લઇને જવી તેની વિમાસણમાં મુકાઇ અંતે મૌન ધારણ કરી લીધું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer