જિ.પં. સિંચાઇ કાર્યપાલકની એકાએક બદલી

ભુજ, તા. 1 : નિયમો વિરુદ્ધ સિંચાઇ શાખામાં બદલીના આદેશો, વિકાસકામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો, એજન્સીઓ સાથે સાંઠગાંઠના આક્ષેપો સહિતના વિવાદોમાં ઘેરાયેલા અહીંના જિલ્લા પંચાયતના સિંચાઇ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરની ગાંધીનગર કક્ષાએથી એકાએક રાપર ખાતે બદલી કરવામાં આવતાં પંચાયતમાં ચકચાર જાગી છે અને તેમની જગ્યાએ અંજારના કાર્યપાલક ઇજનેરને વધારાનો હવાલો સોંપાયો છે. જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત જુલાઇમાં કાર્યપાલક ઇજનેરની ખાલી પડેલી જગ્યા પર રાપરના ડેપ્યૂટી ઇજનેર તરીકે ફરજ બજાવતા ચંદ્રકાન્ત ગઢવીની જિલ્લા પંચાયત સિંચાઇ શાખામાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે બદલી કરવામાં આવી હતી. આ ચાર્જ સંભાળ્યા બાદ એકાદ વર્ષના ગાળામાં જ જિલ્લા વિકાસ અધિકારીને વિશ્વાસમાં લીધા વિના નિયમો વિરુદ્ધ બદલીઓના ઓર્ડર કરી દીધા હતા. જેને પાછળથી ડીડીઓએ રદ કર્યા હતો. આ ઉપરાંત તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તેમની વિરુદ્ધ અનેક માહિતીઓ માગવામાં આવી હોવા છતાં આપવામાં આવી નહોતી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ પણ નારાજ હતા. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તળાવો ઊંડા કરવા અને થયેલા કામોની કામગીરીના માપો લેવા ખાનગી કોન્ટ્રેક્ટરો નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં માધાપરના ખાનગી કોન્ટ્રાક્ટરના ભાવો મંજૂર થયા હોવા છતાં તેને વર્કઓર્ડર ન અપાતાં રજૂઆત અર્થે આવેલા આ ખાનગી કોન્ટ્રાક્ટર અને અન્ય માથાભારે કોન્ટ્રાક્ટર વચ્ચે સિંચાઇ સમિતિ ચેરેમનની ચેમ્બરમાં ડખો થયો હતો અને આ ડખો જિલ્લા પંચાયત સંકુલમાં મારામારીમાં પરિણમ્યો હોવાના આક્ષેપ સાથે આ કામોમાં પણ સત્તાવાળાઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. ગત વર્ષે કાર્યપાલક ઇજનેર શ્રી માથુર નિવૃત્ત થતાં તેમની જગ્યાએ નિયમિત કાર્યપાલક ઇજનેરની માંગ કરાઇ હતી, પરંતુ શ્રી ગઢવીનો ગાંધીનગરથી ઓર્ડર આવ્યો હોવાથી જિલ્લા પંચાયતમાં ગણગણાટ ઊઠયો હતો. તો થોડા સમય પહેલાં સિંચાઇ સમિતિના અધ્યક્ષ સહિતનાએ ભુજના સબ-ડિવિઝનની ઓચિંતિ મુલાકાત લઇ ચકાસણી હાથ ધરી હતી. જે પ્રકરણમાં પાછળથી ભીનું સંકેલાઇ ગયું હતું. જો કે તેમની સામે મુખ્યમંત્રી સુધી ભ્રષ્ટાચારની ફરિયાદો કરાતાં સીધો ગાંધીનગર કક્ષાએથી જ બદલીનો ઓર્ડર આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ બદલી ગાંધીનગર કક્ષાએથી થઇ છે. જો કે તેમની વિરુદ્ધ અરજીઓ આવી હોવાનું તથા જિલ્લા પંચાયત સંકુલમાં થયેલી મારામારી બાબતે પોલીસ ફરિયાદ થઇ ન હોવાથી કોઇ સામે પગલાં લઇ શકાય નહીં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer