પ્રા. શાળાઓનો સમય સવારનો રખાતાં શિક્ષકોમાં આનંદની લાગણી

ભુજ, તા. 1 : સામાન્ય રીતે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ 30 જૂન સુધી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો હોય છે અને પહેલી જુલાઇથી શાળાઓ પૂર્ણ સમયની થાય છે, પરંતુ કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિમાં હાલ વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવવા પર પ્રતિબંધ છે ત્યારે જ્યાં સુધી શાળાઓમાં બાળકોને બોલાવવાના નથી ત્યાં સુધી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવા રાજ્ય સંઘની રજૂઆત બાદ રાજ્યના શિક્ષણ સચિવ અને નિયામકે પરિપત્ર કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીષ પટેલ દ્વારા તાજેતરમાં રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. મહેશ જોષી સમક્ષ શાળા સમય સવારનો કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે રાજ્યના શિક્ષણ નિયામકે પરિપત્ર બહાર પાડીને 1 જુલાઇથી 31 જુલાઇ સુધી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારના 7.30થી 12નો રાખવા તમામ જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણાધિકારીઓ તથા શાસનાધિકારીઓને પત્ર પાઠવી સૂચના આપી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી કેરણાભાઇ આહીરે જણાવ્યું હતું. નિયામકના પત્રથી શિક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી છે. જો કે આ સમય દરમ્યાન બાળકોને શાળાએ બોલાવવાના નથી, પરંતુ શિક્ષકોએ બાળકોને હોમ લર્નિંગ, વર્ચ્યુઅલ ક્લાસ, યુ ટયૂબ અને ટેલિવિઝન દ્વારા અપાતા શિક્ષણ વગેરે બાબતે વિદ્યાર્થી-વાલી સાથે મુલાકાત યોજી અને જરૂરી માર્ગદર્શન  આપવાનું રહેશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer