કચ્છમાં આ વર્ષે 20 લાખ વૃક્ષ વવાશે

ભુજ, તા. 1 : ચોમાસાનો આરંભ થવા સાથે વરસાદી માહોલનો લાભ લેવા માટે દર સાલની માફક આ વર્ષે પણ વન વિભાગ દ્વારા વૃક્ષ વાવવાનું ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, દર વર્ષે લાખોની સંખ્યામાં રોપા વાવવામાં આવતા હોવાના દાવા તો કરવામાં આવે છે પણ તેમાંથી ખરેખર કેટલા ઊગી નીકળે છે તે સવાલ દરવર્ષ સર્જાઇને સામે આવતો હોય છે. આ વર્ષની વાત કરીએ તો વરસાદે કેટલાક તાલુકામાં આગોતરી દસ્તક દીધા બાદ વન વિભાગે વૃક્ષ વાવેતરની સાથે ચેરિયાં, ઘાસચારા વાવેતર સહિતની  લક્ષ્યાંકપૂર્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પશ્ચિમ કચ્છ વન વિભાગ ડીએફઓ  તુષાર પટેલે આપેલી માહિતી અનુસાર આ વર્ષે 19.84 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરી તેની અમલવારી તરફ ડગ માંડવામાં આવ્યા છે. કુલ 1837 હેક્ટરમાં રોપા ઉછેરવાનું કાર્ય હાથ ધરાવાનું છે, જે પૈકી 888 હેક્ટર જેટલા જંગલ વિસ્તારમાં પશુ-પક્ષીઓને ઉપયોગી?થાય તેવી જિલ્લાની જમીની તાસીર અનુસારના વિવિધ વૃક્ષોના રોપા વાવવામાં આવશે. દેશી બાવળ સહિતના વૃક્ષના વાવેતરને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. કચ્છના કાંઠાળપટ માટે સુરક્ષાચક્ર સમાન ચેરિયાંના વાવેતરને આ આયોજન તળે આવરી લેવાયું છે. જિલ્લાના કાંઠાળ વિસ્તારમાં  950 હેક્ટરમાં ચેરિયાંનું વાવેતર કરવામાં આવશે એ જ રીતે અવાર-નવાર દુષ્કાળની માર ઝીલતો કચ્છ જિલ્લો ઘાસચારા માટે સ્વાવલંબી બનાવવાના આશય સાથે વન વિભાગ દ્વારા 400 હેક્ટરમાં ઘાસચારાનું પણ અલગ-અલગ વિસ્તારમાં વાવેતર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દરવર્ષે સામાજિક વનિકરણ યોજના ઉપરાંત વન મહોત્સવની ઉજવણી અન્વયેલાખોની સંખ્યામાં વૃક્ષ વાવવામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ આજ દિવસ સુધી તેનો હેતુ સર્યો હોય તેવું જણાતું નથી. માત્ર લક્ષ્યપૂર્તિ કરવાના બદલે  સુચારૂ કાર્યનીતિ ઘડવામાં આવે તેવી લાગણીય પ્રવર્તી રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer