ખોટા નામે રેલવે ટિકિટ કેસમાં આરોપીને હાઇકોર્ટ દ્વારા જામીન મુક્તિનો આદેશ

ભુજ, તા. 1 : ખોટા નામે રેલવેની ટિકિટનું આરક્ષણ કરવાના કેસમાં પકડાયેલા આરોપી શૈલેષકુમાર નવીનચન્દ્ર ઠકકરને રાજ્યની વડી અદાલતે જામીન આપ્યા હતા. તો ભુજ તાલુકાના પદ્ધર ગામના જમીનના દબાણના અન્ય એક ચર્ચાસ્પદ કેસમાં આરોપી હિતેશ ડાયાભાઇ કોઠીવારને જિલ્લા અદાલતે આગોતરા જામીન પ્રદાન કરતો આદેશ કર્યો હતો.ત્રણ વ્યક્તિઓ માટે ખોટા નામે ભુજથી બાન્દ્રાની રેલવે ટિકિટ કઢાવવાના અને ઓળખના ખોટા આધારો ઊભા કરવા સહિતના આરોપસર શૈલેષ ઠકકર સામે ગાંધીધામ રેલવે પોલીસમાં ફોજદારી ગુનો દાખલ કરાયો હતો જેમાં તેની ધરપકડ કરાઇ હતી. આ પ્રકરણમાં પહેલાં ભચાઉ ચીફ કોર્ટ અને બાદમાં જિલ્લા અદાલતે આ તહોમતદારની જામીન અરજી નામંજૂર કરી હતી. આ પછી જામીન માટે હાઇકોર્ટમાં ધા નખાઇ હતી. હાઇકોર્ટે બન્ને પક્ષને સાંભળી જામીન શરતોને આધીન મંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હિતેન્દ્રાસિંહ વાઘેલા અને હરેશભાઇ કાટેચા રહ્યા હતા. બીજીબાજુ ભુજ તાલુકામાં પદ્ધર ગામ નજીકની જમીન ઉપરના ગેરકાયદે દબાણ મામલે નોંધાયેલા ફોજદારી કેસમાં આરોપી હિતેશ કોઠીવારને જિલ્લા અદાલતે આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં ભુજના વેપારી મિતલ અનિલભાઇ શાહે હિતેશ અને તેના પિતા ડાયાભાઇ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પિતાની અગાઉ ધરપકડ બાદ જામીન થઇ ચૂક્યા છે. દરમ્યાન હિતેશ માટે આગોતરા જામીનની અરજી મુકાતા તેની સુનાવણી સેશન્સ કોર્ટમાં થઇ હતી. ન્યાયાધીશે આગોતરા આપતો આદેશ કર્યો હતો. આ કેસમાં વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને હરીશ એસ. આહીર રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer