પોલીસ ટુકડી ઉપર હુમલો કરનારા સૂત્રધાર સહિત 26 આરોપી ઝડપાયા

ભુજ, તા. 1 : તાલુકાના પચ્છમ વિસ્તારના જુણા ગામે ખનિજની ચોરી પકડનારી પોલીસ ટુકડી ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં જેમની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ થયેલો છે તે તહોમતદારો પૈકીના સૂત્રધાર સહિતના કુલ્લ 26 આરોપીની આજે સાંજ સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ ગત સોમવારે રોયલ્ટી ભર્યા વગરની રેતી ભરેલું ટ્રેકટર પકડયા બાદ ખાવડાના ફોજદાર સહિતની ટુકડી ઉપર હુમલો કરાયો હતો. જેમાં ફોજદાર વાય.પી.જાડેજા અને અન્ય ચાર પોલીસ કર્મચારી ઘવાયા હતા. જેઓ હાલે સારવાર તળે છે. આ પ્રકરણમાં કાવતરું રચીને જીવલેણ હુમલો કરવા સાથે સરકારી માલમિલકતમાં નુકસાન સહિતની કલમો તળે સોથી સવાસો ઇસમના ટોળા સામે ગુનો દાખલ કરાયા બાદ પોલીસદળની જુદીજુદી ટુકડીઓ દ્વારા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આજે સાંજ સુધી સૂત્રધાર આરોપી સુલેમાન સાધક સમા (જુણા) તેમજ અન્ય ત્રણ આરોપી અકબર મલુક સમા, અજીજ મલુક સમા અને લતીફ ઉમર સમાને પકડી લેવામાં આવ્યા હતા. આમ કુલ્લ બાવીસ તહોમતદારને દબોચી લેવાયા છે. સૂત્રધાર આરોપીની ધરપકડ બાદ કાયદાના રક્ષકોએ તેને ખાવડા ખાતે ભરબજારે બરાબરનો કાયદાનો પરચો આપ્યો હતો. જે ઉપસ્થિત લોકો માટે જોણું બન્યો હતો. આ વચ્ચે ખાવડા સહિત સમગ્ર પચ્છમ પંથકમાં ગેરકાયદે અને નિયમોને નેવે મૂકીને દોડતા 72 ખાનગી વાહનો પણ પોલીસદળે ડિટેઇન કર્યા હતા. તો આ દોડધામ વચ્ચે આ ગુનામાં સંડોવાયેલા આરોપી રમઝાન ઓસમાણ સમાના વાડામાંથી ગેરકાયદેસર બનેલા મનાતા 230 બોરી કોલસા જેની કિંમત રૂા. 82,800ને પણ કબ્જે કરાયા હતા. બીજી બાજુ તપાસનીશ સબ ઇન્સ્પેકટર જી.એચ.વાણિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પકડાયેલા 26 આરોપી પૈકી બાવીસ જણનો કોવિડ ટેસ્ટ પૂર્ણ કરી તેમની વિધિવત ધરપકડ બતાવાઇ છે. જયારે સૂત્રધાર સહિતના ચાર જણને કોરોના પરીક્ષણ માટે મોકલાયા છે. અન્ય તહોમતદારોને પકડવા માટેની કાર્યવાહી હજુ જારી રખાઇ છે. આરોપીઓને પકડવાની કાર્યવાહીમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને ટ્રાફિક શાખા સહિતનો વિશાળ કાફલો જોડાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer