મેઘપર બોરીચીના યુવાને સાથી કામદારોના ત્રાસથી દુકાનના ગોદામમાં લટકી જઇને જીવ દઇ દીધો

ભુજ, તા. 1 : અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ગામના વતની જયેશ પ્રેમજી માલી (ઉ.વ.23) નામના યુવાને તેની સાથે દુકાનમાં કામ કરતા બે કામદારની કનડગતથી ત્રસ્ત બનીને દુકાનના ગોદામમાં જઇ ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. તો ભુજ તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના ઉખડમોરા ગામે એક વર્ષ પહેલાં પોતાના પતિ સાથે છુટાછેડા લેનારી 25 વર્ષની વયની યુવતી હેતલબેન પાંચાભાઇ વરચંદે કોઇ કારણે ગળેફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ગાંધીધામ શહેરમાં સેકટર નંબર નવ ખાતે ગોકુલ હોટલ પછવાડે ટાટા સ્પેરપાર્ટ દુકાનમાં કામ કરતા મેઘપર (બોરીચી)ના જયેશ માલી નામના યુવકની આત્મહત્યાનો કિસ્સો આજે સવારે બહાર આવ્યો હતો. પોલીસે આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે સવારે સાડા આઠથી સાડા નવ વાગ્યા દરમ્યાન આ હતભાગીએ દુકાનના ગોદામમાં જઇ પંખામાં રસ્સી વડે લટકી જઇને જીવ દીધો હતો. મરનારની સગાઇ થઇ ગયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસનીશ પોલીસ અધિકારીએ આ સંબંધી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે મરનાર જયેશ માલીએ આત્મહત્યા કરતાં પહેલાં ચિઠ્ઠી લખી હતી. આ સ્યૂસાઇડ નોટમાં તેને તેની સાથે દુકાનમાં કામ કરતા રાહુલ શર્મા અને વિપુલ ચૌધરીની કનડગત હોવાનું અને તેના કારણે તે આ પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું છે.કચ્છ માર્કેટીંગ નામની દુકાનમાં કામ કરવા દરમ્યાન રાહુલ અને વિપુલ મરનાર જયેશને ધાકધમકીઓ કર્યા કરતા હતા. તેનો મોબાઇલ પણ હેક કરીને તેનો દુરુપયોગ પણ કરતા હતા. તો રાહુલ અને વિપુલ લાંબા સમયથી આ કનડગત સાથે દુકાનમાંથી ચોરી પણ કરતા હતા અને તેઓ અલગ દુકાન પણ કરવાના હતા. આ પ્રકરણમાં બન્ને જણ જયેશને ફસાવી દેવાની ફિરાકમાં પણ હતા. આ સ્થિતિથી તંગ બનીને પોતે આત્મહત્યા કરી રહયો હોવાનું જણાવી જયેશે ચિઠ્ઠીમાં એવું પણ લખ્યું છે કે દુકાનના સી.સી. ટી.વી. કેમેરા તપાસવામાં આવે તો આ બાબતની સાબિતી મળી રહે તેમ છે.બીજીબાજુ આહીરપટ્ટીમાં ધાણેટી પાસેના ઉખડમોરા ગામે હેતલબેન વરચંદે ગત તા. 29મીના સવારે તેના માવિત્રના ઘરે ગળેફાંસો ખાધો હતો. સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન આજે બપોરે તેણે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. આ પછી મૃતદેહને જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મરનાર યુવતીના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા બાદ એક વર્ષ પહેલાં તેના છુટાછેડા થયા હતા. હાલે તે માતા અને ભાઇના ઘરે રહેતી હતી. આ દરમ્યાન તેણે આ પગલું ભરી લીધું હતું. બનાવ પછવાડેના કારણો હજુ સ્પષ્ટ થયાં નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer