ગાંધીધામના યુવાનના બેંક ખાતામાંથી કોઇએ 1.20 લાખ પરબારે ઉપાડયા !

ગાંધીધામ, તા. 1 : આદિપુરની એક દુકાનમાં એકાઉન્ટનું કામ કરતા યુવાન પાસેથી તેના બેંક ખાતાની વિગતો મેળવી ઠગબાજ શખ્સે તેના ખાતામાંથી રૂા. 1,20,000 બારોબાર ઉપાડી છેતરપિંડી, ઠગાઇ કરી હતી. શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનારા દીપક જગમોહન શર્મા નામના યુવાને આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન આદિપુર બસસ્ટેન્ડ સામે કપિલમુનિ આશ્રમવાળા રોડ ઉપર આવેલી યાદવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં એકાઉન્ટનું કામ સંભાળે છે. ગત તા. 1/6ના સાંજે આ દુકાનના સંચાલક રાજેશ લાવડિયાને એક ફોન આવ્યો હતો અને હું સી.આઇ.એસ.એફ. કંડલામાં નોકરી કરું છું, મારું નામ શ્રીકાંત શર્મા છે તેવું આ અજાણ્યા શખ્સે કહ્યું હતું. અમને હાર્ડવેરની વસ્તુ જોઇએ છે, તમે યાદી બનાવી નાખો, માલ અમે પછી લઇ જશું તેવું કહેતાં આ સંચાલકે માલની યાદી જણાવી રૂપિયા અમારા એકાઉન્ટન્ટ દીપક શર્માને આપી દેવા કહ્યું હતું. દરમ્યાન આ ઠગે દીપક શર્માને ફોન કરી હું એડવાન્સ પૈસા આપું છું. માલ અમારો છોકરો કાલે લઇ જશે તેમ કહી ક્યુઆર કોડ મોકલાવી તેને પેટીએમથી સ્કેન કરવા કહ્યું હતું. જેવું આ યુવાને સ્કેન કર્યું તેવામાં તેના ખાતામાંથી રૂા. 30,000 ઊપડી ગયા હતા. બાદમાં આ શખ્સે ફરિયાદી યુવાનને ભૂલથી આવું થઇ ગયું હોવાનું કહી એ.ટી.એમ. કાર્ડની વિગત આપવા અને તેના ઓ.ટી.પી. નંબર આપવા કહ્યું હતું. યુવાને તેવું કરતાં તેના બેંક ખાતામાંથી જુદા જુદા પાંચ ટ્રાન્જેક્શન થઇ ગયા હતા. આમ ઠગબાજ શખ્સે તેના ખાતામાંથી રૂા. 1,20,000 ઉપાડી લીધા હતા. એક મહિના અગાઉ બનેલા આ બનાવમાં પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer