ભીમાસર પાસેથી ભરેલું 27 લાખનું તેલ રસ્તામાં ટેન્કરચાલકે સગેવગે કર્યું

ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના ભીમાસર નજીક આવેલી એક કંપનીમાંથી રૂા. 27,30,000નું તેલ ભરી નિયત જગ્યાએ ન પહોંચાડી રસ્તામાં સગેવગે કરી નાખતાં ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ભીમાસરમાં આવેલી ગુરુકૃપા બલ્ક કેરિયરનાં દિનેશકુમાર ભંવરલાલ પુરોહિતે આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો ઓમપ્રકાશ જયરામ બિશ્નોઇ ગત તા. 26-6ના ભીમાસરની લુઇસ ડ્રાયફ્રૂટ નામની કંપનીમાં ગયો હતો. ટેન્કર નંબર જી.જે. 12-બી- ડબલ્યુ 1569 લઇને કંપનીમાં ગયેલા ઓમપ્રકાશે પોતાની પાસે રહેલા ટેન્કરમાં 31,850 ટન આર.પી.ઓ. કિંમત રૂા. 27,30,000નું તેલ ભરાવ્યું હતું. આ ઓઇલ ઉત્તરપ્રદેશના કાનપુરમાં આવેલી ભગવતી ફૂડમાં પહોંચાડવાનું હતું. આ શખ્સ તા. 26-6ના જ ગાડીના તમામ કાગળો તૈયાર કરાવી સાંજે ઉત્તરપ્રદેશ જવા રવાનો થયો હતો. મોટા ભાગે ?ઉત્તરપ્રદેશની આ કંપનીમાં ચોથા દિવસે માલ પહોંચી જતો હોય છે. પરંતુ ગત તા. 30-6નાં આ ફરિયાદીને ફોન આવ્યો હતો અને  તમારી ગાડી રાજસ્થાનના સાંચોરમાં ગુડામાલાવત પાસે બિનવારસુ પડી હોવાનું જણાવાયું હતું.દરમ્યાન ફરિયાદીએ ટેન્કરચાલકનો સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો તથા ઉત્તરપ્રદેશની કંપનીમાં માલ ન પહોંચ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગુડામાલાવત પાસે રૂા. 27,30,000નું તેલ સગેવગે કરી ટેન્કરચાલક ટેન્કરને રેઢું મૂકીને નાસી ગયો હતો. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી  આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer