ગાંધીધામમાં વિકાસકામનાં ટેન્ડર 50 ટકા સુધી નીચે આવતાં ઉઠતો પ્રશ્ન

ગાંધીધામ, તા. 1 : અહીંની નગરપાલિકા દ્વારા કરવામાં આવતાં વિકાસના કામો અત્યંત નીચાં ટેન્ડર ઓછા ભાવોથી કરવામાં આવતાં તે કામની ગુણવત્તા કેવી હશે અને તે કામ કેવી રીતે થશે તેવી રજૂઆત મુખ્ય અધિકારીને કરવામાં આવી છે. અહીંની નગરપાલિકામાં અગાઉ પણ પેવર બ્લોકના કામના ટેન્ડર નીચા ભાવમાં આવ્યાં હતાં. જે તે વખતે પણ મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કમિશનરનું લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી તે અંગે કોઇ જ જવાબ ન મળ્યો હોવાનું વિપક્ષી નગરસેવક નિલેશ ભાનુશાળીએઁ જણાવ્યું હતું. 14મા નાણાપંચ વર્ષ 2019-20ની ગ્રાન્ટમાંથી પેકેજ 1થી 9 રૂા. 3.80 કરોડના કામો અને સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019-20ની ગ્રાન્ટમાંથી 5.55 કરોડના પેકેજ 1થી 13 આર.સી.સી. રોડ તથા સી.સી. પેવર બ્લોકના કામોમાં 30 ટકાથી લઇને 46.99 ટકા નીચાં ટેન્ડર આવ્યાં હતાં. તો આવા કામોની ગુણવત્તા કેવી હશે અને આવાં કામ કેવી રીતે નીચા ભાવે કરવામાં આવશે તેનો લેખિતમાં ખુલાસો કરવા માંગ કરાઇ હતી. આવાં કામોમાં બાંધછોડ કરવામાં આવશે ? સમય મર્યાદામાં કામ પૂર્ણ થશે ? આ કામ છ મહિનામાં પૂર્ણ કરવાનાં હતાં, પરંતુ એક વર્ષ બાદ પણ આ કામ પૂરાં થયાં નહોતાં. છતાં પણ કોન્ટ્રાકટરો વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ કામોમાં 80 ટકા કામ પેવર બ્લોકના છે. માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ.આર. 2015-16ના જૂના એસ.ઓ.આર. ભાવમાં સુધારો કરી નવા 2019-20ના એસ.ઓ.આર. ભાવ અમલમાં આવે તો સરકારી નાણાંની બચત થાય તેમ છે તેવું આ પત્રમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer