અંજાર સુધરાઇની સભા પહેલાં જ વિરોધ પક્ષે પ્રશ્નોનો મારો કર્યો

અંજાર, તા.1 : અહીંની નગરપાલિકાની 3જી જુલાઇએ મળનારી સામાન્ય સભામાં શહેરની જનતાના નડતા પ્રશ્નોનું નિરાકરણ તેમજ રજૂઆત સાંભળવા બાબતે વિરોધ પક્ષે અગાઉથી પ્રમુખને પત્ર લખી કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા.નગરપાલિકામાં અંજાર શહેરની પ્રજા વિવિધ પ્રશ્નોના કારણે પીડાઇ રહી છે તે પ્રશ્નોની સામાન્ય સભામાં ચર્ચા કરવા તેમજ નિરાકરણ લાવવા માટે પ્રજાહિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવે તેવી અમે પ્રજાના પ્રતિનિધિ તરીકે અપીલ કરીએ છીએ તેવું વિરોધ પક્ષના નેતા અકબરશા શેખ અને માજી વિરોધ પક્ષના નેતા જિતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું. શહેરમાં ગટરલાઇનના ખોદકામ સમયે ખાનગી કંપનીના કેબલ ગટરના પાઇપમાંથી પસાર કરવામાં આવ્યા છે તે કોની મંજૂરીથી નાખવામાં આવ્યા ? નગરપાલિકાની હદમાં ખોદકામ કરીને કેબલ પાથરવામાં આવ્યા તેમની મંજૂરી નગરપાલિકામાંથી લીધી છે ? અંજાર નગરપાલિકામાં ખોદકામના રૂપિયા મીટરના હિસાબે ભર્યા છે ? તેવા સવાલો કરાયા હતા. રેલવે સ્ટેશન પાસે અંજાર નગરપાલિકાના હોદ્દેદાર દ્વારા સરકારી જમીન પર દબાણ કરી પાકી દુકાનો બાંધવામાં આવી છે તે કોની મંજૂરીથી કરવામાં આવ્યું છે?? હેમલાઇ?વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ વાલ્વ નાખવાના કારણે પાણી આવતું નથી તેમજ સ્થાનિક લોકો કાયદેસર પાણીનું જોડાણ લેવા સહમત છે છતાં પણ અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા ઓરમાયું વર્તન દાખવામાં આવે છે. વોર્ડ નં. 8 હેમલાઇ ફળિયું, શેખ સમાજવાડી પાસે, દેવીપૂજક સમાજ પાસે તેમજ કોળીવાસ પાસે લોકોની સુખાકારી માટે બનાવેલા ટોયલેટનું કાર્ય અધૂરું છતાં ઠેકેદારનું ચૂકવણું થયેલું છે કે કેમ ? તે પણ પૂછવામાં આવ્યું છે. સવાસર નાકા પાસે એ.પી.એમ.સી. સંચાલિત શાકભાજી માર્કેટ અંજાર નગરપાલિકા હસ્તગત સંચાલન કરવા માટે ઠરાવ કરવામાં આવે, રિંગ રોડનો બાયપાસ તરીકે ઉપયોગ કરવામાં આવતાં અતિભારે વાહનોના કારણે અવારનવાર અકસ્માતોથી અંજારના લોકો ત્રાસી ગયા છે તેમજ અકાળે 100 ઉપરાંત લોકોનાં જીવનદીપ બુઝાઇ?ગયા છે. તેથી પ્રજાની સુરક્ષા તેમજ સલામતી માટે તાત્કાલિક ભારે વાહનની પ્રવેશબંધી માટે જવાબદાર તંત્રને તથા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ પત્રમાં કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer