50 વિદેશી હથિયાર સાથે દશની ધરપકડ

50 વિદેશી હથિયાર સાથે દશની ધરપકડ
અમદાવાદ, તા. 30 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છ ભુજથી શરૂ થયેલા ગેરકાયદે હથિયારકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસો પહેલાં 54 વિદેશી અને દેશી હથિયારો સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગુપ્તા ગન હાઉસના માલિકની તપાસમાં વધુ માહિતી સામે આવી હતી. પોલીસે તપાસ દરમિયાન વધુ 50 વિદેશી હથિયારો કબ્જે કર્યા છે. આ સાથે પોલીસે કચ્છીઓ સહિત 10 લોકોની ધરપકડ પણ કરી છે. કચ્છથી શરૂ થયેલા અને રાજ્યવ્યાપી બનેલા તથા હાલના તબક્કે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરનારા આ શત્રકાંડમાં રાજ્ય ત્રાસવાદ વિરોધી દળે પકડેલા 10 જણ પૈકી આઠ જણ કચ્છના છે. આ આરોપીમાં સુરેન્દ્રનગરના મૂળ વતની મુકેશ બુટિયા, ભુજના અનાસ માંજોઠી, અબડાસાના કાસમ પઢિયાર, ભુજના ગફુર ઉર્ફે તુલ્લા પઢિયાર, ભચાઉના મનિહારસિંહ જાડેજા, ભચાઉના રાજકીય માથા મુકેશ કારિયા અને હકૂમતસિંહ જાડેજા, રાપરના અરવિંદસિંહ જાડેજા અને અંજારના ગિરીશ ઠક્કરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસ દ્વારા સોમવારે રાતે રાજ્યમાં અલગ અલગ 9 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કિંમતી વિદેશી હથિયારોનો વધુ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. અગાઉ પણ એટીએસ તરફથી જે 54 હથિયાર કબ્જે લેવામાં આવ્યા હતા તેમાં પણ મોટાભાગના હથિયાર વિદેશી હતા. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે, આ હથિયાર દાણચોરીથી ગુજરાતમાં લાવવામાં આવતા હતા, જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો. આ હથિયારો મામલે ગુપ્તા ગન હાઉસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મગાવી પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે બતાવી તેને અન્ય ગન હાઉસને આપી દીધા છે તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો. નોંધનીય છે કે, આ હથિયારો કેટલાક નામચીન વ્યક્તિઓએ પણ ખરીદ્યા હતા. આ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને એટીએસ કાર્યવાહી કરી રહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી  અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડીને અંદાજે 1 કરોડ રૂપિયાની કિંમતના હથિયાર જપ્ત કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે.  હજુ પણ એટીએસનું ઓપરેશન ચાલુ છે અને હજુ પણ વધુ આરોપીઓ અને હથિયારો પકડાય તેવી શક્યતાઓ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer