નર્મદા નહેરની ગુણવત્તાએ પૂર્વ કચ્છમાં જ જવાબ દઇ દીધો

નર્મદા નહેરની ગુણવત્તાએ પૂર્વ કચ્છમાં જ જવાબ દઇ દીધો
ઉદય અંતાણી દ્વારા- કચ્છ શાખા નહેર, તા. 30 : કચ્છ જેના દાયકાઓથી સપનાં જુએ છે, જિલ્લાના ઇતિહાસમાં જેના માટે ઐતિહાસિક આંદોલન થયા છે, અદાલતોમાં કેસ દાખલ થયા છે અને વાટ જોઇ જોઇને એક આખી પેઢી પસાર થઇ ગઇ છે તેવા નર્મદાનાં સિંચાઇ માટેનાં નહેર વાટે આવતાં પાણી હજુ તો પૂર્વ કચ્છના રાપર-ભચાઉ તાલુકા સુધી માંડ પહોંચ્યાં છે ત્યાં જ બેનમૂન ઇજનેરી કૌશલ્યના જેના ગાણા ગવાય છે એ નહેરના બાંધકામે પૂરેપૂરું પોત પ્રકાશી દીધું છે. આજ નહેરમાંથી  મોડકુબા સુધી પાણી પહોંચે એ કદાચિત એક દુર્ભાગ્યપૂર્ણ સપનું જ રહે તેવું ચિત્ર `કચ્છમિત્ર'ની ટીમે સોમવારે  માંજુવાસથી ચોબારી સુધી નહેરના કાંઠે કાંઠે પ્રવાસ કરતાં રૂબરૂ જોયું. ગાબડા-બાવળના ઝુંડ ઢોલ વગાડીને  સાક્ષી પૂરે છે કે, નહેરના બાંધકામમાં  ભ્રષ્ટાચાર આચરાયો છે અને માટી-પથ્થર- સિમેન્ટ તળે?છુપાવવાનો  પ્રયાસ થયો છે, પણ વહેતું ઊઉર્જાવાન પાણી જ્યારે પણ  પસાર થશે, છુપાયેલું બધું જ દીવા જેમ સ્પષ્ટ થઇ જશે...  સરહદી કચ્છ જિલ્લામાં ખેતીને સિંચાઈનાં પાણી  પહોંચતા કરવા માટે જ સરદાર સરોવર યોજના મંજૂર થઈ હતી. જ્યારે કચ્છના નર્મદાના પ્રશ્નોમાં કેનાલનાં અધૂરાં કામ, એક મિલિયન એકર ફિટ  વધારાનાં પાણી સહિતના મુદ્દો  અવારનવાર ઊઠે છે ત્યારે હવે નર્મદા સબંધી પ્રશ્નોમાં વધુ એક ઉમેરો થયો છે, જ્યાં પાણી વહે છે તે કેનાલની જાળવણીનો.   સોમવારે કચ્છ ભારતીય કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓ સાથે રાપર તાલુકાના  માંજુવાસથી ભચાઉ તાલુકાના ચોબારી સુધીની નહેરના પ્રવાસમાં ઠેર-ઠેર કેનાલમાં પાણી ભરાયું છે ત્યાં મસમોટાં ગાબડાં,  બાવળની ઝાડીઓના ઝૂંડ, માટીના થર સહિતની ગંભીર પરિસ્થિતિ જોવા મળી. જ્યારે સરદાર સરોવર નિગમના અધિકારીઓ પાણી વહનની  નહેરની પૂરતી ક્ષમતા હોવાનું કહી રહ્યા છે.   બેનમૂન ઈજનેરી કૌશલ્ય ગણાતી કચ્છ શાખા નહેરની સાંકળ 100 પાસે આવેલા માંજુવાસ પમ્પિંગ સ્ટેશન ખાતે  પત્રકારો સાથે વાતચીત કરતાં કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી બરાડિયા અને ભચાઉ  તાલુકાના મંત્રી જિતેન્દ્ર ઢીલાએ   નહેરનાં  કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું અને આ નબળાં કામમાં મોડકુબા સુધી પાણી પહોંચશે જ નહીં તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રજાકીય પ્રતિનિધિઓ રાપર ભચાઉ તાલુકાને પાણી પહોંચાડયું તેવી વાતો  કરે છે પરંતુ અત્યાર સુધી ભચાઉ તાલુકાના 74 ગામો પૈકી માત્ર 33 ગામમાં 25,395 હેકટરમાં જ પાણી પહોચ્યું છે જયારે રાપર તાલુકાના 99 ગામડાંમાંથી માત્ર 47 ગામડાઓમાં 38,561 હેકટર વિસ્તારમાં જ પાણી પહોંચ્યું છે  અને એ પણ પ્રત્યેક ગામનો  50 ટકા સુધીનો વિસ્તાર નોન કમાન્ડ વિસ્તાર હોવાથી ત્યાં તો પાણી પહોચ્યું જ નથી. આ એક અન્યાયી બાબત હોવાનું જણાવ્યું હતું.તદઉપરાંત મુખ્ય કેનાલ ઉપરાંત માઈનોર સબમાઈનોર કેનાલનાં કામ જે વર્ષ 2009થી થવાં જોઈએ તે હજુ સુધી નથી થયાં. સરદાર સરોવર નિગમ દ્વારા હજુ સુધી પાણીનો એક પણ રૂપિયો લીધો નથી. કારણ કે કાયદેસર રીતે નિગમે રાપર ભચાઉ તાલુકાના એક એકર ખેતરમાં પણ પાણી પહોંચાડયું ન હોવાનો આક્ષેપ  કર્યો હતો. ખેતર સુધી  પાણી પહોંચાડવા માટે કાયદેસર મંડળીની રચના થવી જોઈએ. અત્યાર સુધી ગાગોદર પેટા કેનાલમાં આવતા ગામડાંઓમાં માત્ર એક જ મંડળી રચાઈ છે, તે પણ  બહારના જિલ્લાની સંસ્થા છે. ત્યારે કચ્છમાં કોઈ સંસ્થા ન મળી તેવો સવાલ ખેડૂતોએ ઉઠાવ્યો હતો. કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદા નિગમના ચીફ ઈજનેરને પ્રવાસ માટે જાણ કરી હતી. પરંતુ નિગમના સિનિયર ઈજનેરો કોઈ હાજર રહ્યા ન હતા. માત્ર જુનિયર ઈજનેરોને હાજર રાખ્યા હતા. ખેડૂત આગેવાનોએ  જુનિયર અધિકારીઓ સમક્ષ  પ્રશ્નોનો ખડકલો કર્યો હતો. પરંતુ તમામ  પ્રશ્નોનો એક જ જવાબ હતો, અમે દરખાસ્ત મોકલી  દીધી છે. ખેડૂતો ડીઝલ પંપ લગાડીને કિલોમીટરો સુધી પાઈપલાઈન નાખી પાણી લે છે. એક પંપમાં રોજના હજાર રૂપિયાના ડીઝલની ખપત પડે છે જેથી ખેડૂત મોંઘા ખર્ચ કરીને પાણી મેળવી રહ્યા હોવાની રાવ ઉઠાવી હતી.રાપરથી માંજુવાસ તરફ જતી વખતે  74 કિલોમીટરની ગાગોદર પેટાકેનાલનો  રસ્તો જે કેનાલના સમારકામ માટે બનાવ્યો હોય તે જંગલમાં પરિવર્તિત થયેલો જણાયો હતો. આ રસ્તાની જાળવણી માટે દર  વર્ષે ટેન્ડરો નીકળતા હોય છે, પરંતુ કામ થતું જ ન હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. આગળ જતાં  ફતેહગઢ - હમીરપર વચ્ચે મુખ્ય કેનાલમાં 300થી 400 મીટર જેટલું મોટું ગાબડું જણાયું હતું. હાલ પાણી જમીન લેવલથી નીચે હોવાથી પાણી  કેનાલમાં પડયું રહે છે.  જો મોડકુબા પાણી પહોંચાડવું હોય તો આખી કેનાલ ભરવી પડે અને આ નબળાં કામવાળી કેનાલનો માંચડો તૂટી પડે.માંજુવાસથી ભચાઉ તાલુકાના ચોબારી સુધીના પ્રવાસ દરમ્યાન  ભરેલી અને ખાલી કેનાલમાં પણ અનેક જગ્યાએ  નાનાં મોટાં ગાબડાં જણાયાં હતાં. ગેડીથી આગળ જતા મુખ્ય કેનાલની એક તરફની દીવાલ જણાઈ જ ન હતી. માત્ર માટીના ઢેફાં જ જણાયા હતા. હાલ નંદાસરના તૂટી ગયેલા પુલનું સમારકામ ચાલી રહ્યું છે અને બે કે ત્રણ દિવસમાં પાણી  છોડવામાં આવશે. ત્યારે આ જર્જરિત ભાગ છે ત્યાં પાણી ટકશે  કેમ ? તેવો સવાલ પ્રવાસ દરમ્યાન ખેડૂતોએ ઉઠાવ્યો હતો.  ચોબારી જતા અનેક સ્થળે કેનાલમાં બાવળની ઝાડીઓ ઊગી નીકળેલી જોવા  મળી હતી.  એક તબક્કે તો એવો સવાલ ઊભો થાય કે આ કેનાલ છે કે જંગલ.   માંજુવાસથી  ચોબારી સુધીના પ્રવાસ  દરમ્યાન કેનાલની જાળવણીમાં નિગમ દ્વારા  દાખવવામાં આવતી બેદરકારી ઊડીને આંખે વળગી હતી. મુખ્ય કેનાલ ઉપર અવરજવર કરવા માટે ડામરનો  રોડ બનાવાયો હતો. અત્યારે સેંકડો કિલોમીટર સુધીના રોડની હાલત ગાડાવાટથી પણ બદતર હોવાનું જણાયું હતું.  અન્ય ભારે  વાહનોની બેરોકટોક અવરજવરના કારણે રોડની હાલત થઈ છે. પ્રવાસ દરમ્યાન આવતા અનેક પુલમાં તિરાડો જણાઈ હતી.માંજુવાસ પમ્પિંગ સ્ટેશન ખાતેના અધિકારીઓએ   ફતેહગઢ - હમીરપર રોડ ઉપર કેનાલ તૂટવાના કારણે માટી ધસી  પડતી હોવાનું જણાવ્યું હતું. તદઉપરાંત કેનાલમાં દોઢથી બે ફૂટ જેટલું  ડેડવોટર રાખવું પડતું હોઈ તેના કારણે પણ સમારકામમાં તકલીફ પડતી હોવાનું કહ્યું હતું.  જો કે, કેનાલ પાણી વહન માટે સક્ષમ હોવાની જ વાત કહી હતી.  કેનાલમાં ઠેર ઠેર  ગાબડાંની પાંચ વર્ષમાં  આવી હાલત થઈ, તો  આગળ જતાં શું થશે તે સવાલ મહત્ત્વનો છે. આખી ભરેલી કેનાલ તૂટે તો વાગડનાં ગામડાંઓ ઘેરા સંકટમાં મુકાય તેવી ભીતિ ખેડૂતોએ વ્યકત કરી હતી. આ પ્રવાસમાં કિસાન સંઘના મંત્રી વાલજી  લીંબાણી, ઉપપ્રમુખ વાલજી મરંડ, ગયાભાઈ રૂડાણી, સહમંત્રી ભરત કેરસિયા, મહિલા જિલ્લા પ્રમુખ રાધાબેન ભુડિયા, મંત્રી  વાલબાઈ રાબડિયા, ભચાઉ તાલુકા પ્રમુખ ભચા માતા, રાપર તાલુકા પ્રમુખ કરમશી ચામરિયા, મંત્રી કુંભા ચાવડા જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer