માંડવી-રાપર-અબડાસા ઝાપટાંથી પલળ્યાં

માંડવી-રાપર-અબડાસા ઝાપટાંથી પલળ્યાં
ભુજ, તા. 30 : જેઠ માસમાં કચ્છના વિવિધ તાલુકા ભીંજવી ગયેલા અને આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ માંડવીમાં એકીસાથે પંદર ઈંચ પાણી વરસાવી ગયેલા મેઘરાજાએ હવામાન ખાતાની આગાહી છતાં કચ્છમાં અસહ્ય બફારો-ઉકળાટ જ વરસાવી રહેલા ચોમાસાએ બપોરથી રંગ બદલાવ્યો હતો અને ભુજમાં ભાદરવાના ભૂસાકા જેવું એક ઝાપટું વરસાવ્યું હતું પણ માંડવીમાં એ જ માહોલે અડધો ઈંચ પાણી વરસાવતાં બંદરીય નગર ખુશ થઈ ગયું હતું. જો કે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં પણ ચોથી જુલાઈ સુધીમાં વરસાદી માહોલ જળવાઈ રહે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા અપાયો છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે આ બાબતે જણાવ્યું કે, ગુજરાત પર ચોમાસું સક્રિય થયેલું છે તો સર્કયુલેશન સિસ્ટમ સર્જાય છે તેની અસર હેઠળ કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસશે તો થન્ડર સ્ટોર્સ એકિટવિટીની શક્યતાને જોતાં કયાંક ભારે વરસાદ વરસી જાય તેવી સંભાવનાને નકારાતી નથી. આ તરફ ભુજમાં મહત્તમ પારો 38.6 ડિગ્રીએ પહોંચતાં લોકો બફારાથી અકળાયા હતા. રાજ્યમાં ડીસા પછી ભુજ બીજા ક્રમે ગરમ મથક બન્યું હતું. બપોરના અરસામાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો પણ માત્ર મેઘાડંબરથી સંતોષ માનવો પડયો હતો. માંડવીમાં અડધો ઇંચ માંડવીથી પ્રતિનિધિના હેવાલ અનુસાર એક અઠવાડિયાના વરાપ પછી આજે બપોરે વરુણદેવે સોળે કળાએ મેઘાડંબર વચ્ચે અડધો ઇંચ પાલર પાણીનું ઝાપટું વરસવતાં મોસમનો એકંદર વરસાદ 381 મિ.મી. નોંધાયો  હતો. વાવણી થઈ ગઈ છે તેવા ધરતીપુત્રો માટે સોનું વરસ્યું હોવાનો હરખ ખેડૂતોમાંથી જાણવા મળ્યો હતો. સવારથી અંધારિયા આકાશે સમીસાંજ જેવી પ્રતીતિ કરાવી હતી. શહેરમાં નીચાણવાળા વિસ્તારો પરથી પાણી વહી નીકળ્યાં હતાં. પંદર ઇંચ ધમાકેદાર ગત અઠવાડિયે વરસાવીને શહેર, પંથક પાણી પાણી છતાં વાતાવરણમાંથી બફારો, ઉકળાટ ઓછો નહીં થતાં લોકો અકળાઇ રહ્યાં છે. તે વચ્ચે આજે બપોરે ધૂમધડાકે ફરી આલબેલ પોકારી 13 મિ.મી.નો ઇજાફો કર્યા પછી મોઢું ફેરવી લીધું હતું. ગુંદિયાળીથી ભગવાનજી બોડાએ ગુંદિયાળી, શેખાઇબાગ, બાગ-મસ્કા વિસ્તારમાં દસેક મિ.મી. મેઘવૃષ્ટિના વાવડ આપતાં કહ્યું હતું કે, સવારે ઝાપટું આવ્યા બાદ બપોરે હળવી વર્ષા થતાં સોના જેવી કૃપા થઇ છે. ઝીણો-વગડાઉ માલ (જીવો)ના મોંમાં બે-ચાર દિવસમાં ઘાસ નસીબ થશે. પાલતુ જાનવરો એકાદ અઠવાડિયા પછી લીલોચારો અરોગતા થશે. વાવણી બાકી હશે તેવા કિસ્સાઓમાં પણ હવે બધે પોખ થઇ રહેશે. પ્રાપ્ત વધુ વિગતો પ્રમાણે શુભપ્રસંગે બંધાયેલા ચંદરવા ઉપરથી જલાભિષેક થતાં પડકાર ઊભો થયો હતો. સરહદી લખપત તાલુકામાં શુકનવંતુ ઝાપટું કોરિયાણી, કપુરાશી વિસ્તારમાં રસ્તા પરથી પાણી વહાવી ગયું હતુ. ગગન ગોરંભાયેલું હોવાથી વધુ વરસાદની આશા સેવાતી હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. અબડાસામાં ઝાપટાં નલિયા પ્રતિનિધિના જણાવ્યાનુસાર અબડાસામાં આજે બપોરે કેટલાક ગામોમાં હળવાં ઝાપટાંથી માંડીને દોઢેક ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેના પગલે વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ખેડૂતવર્ગમાં નવી આશાનો સંચાર થયો છે. ગરડા વિસ્તારના ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હોવાનું કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જેમાં વાયોર, ઉકીર, વાગોઠ, ફુલાય, વાઘાપદ્ધર, નાની-મોટી ચરોપડી, અકરી, સાંઘી, નાની-મોટી બેર સહિતના ગામડાંઓમાં આજે બપોરે ગાજવીજના ડરામણા કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો. આ ગામોમાં મેઘરાજાએ ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત પધરામણી કરી હતી.તાલુકાના મુખ્ય મથક નલિયામાં ઝાપટાં સ્વરૂપે 9 મિ.મી. કુલ્લ મોસમનો (39 મીમી), સુથરી, બેરા, આધાપર, આરીખાણા, જખૌ સહિતના ગામડાંઓમાં અંદાજે અડધો ઈંચ વરસાદ થયો હતો. ડુમરા ખાતે પણ ઝાપટાં સ્વરૂપે વરસાદ થતાં પાણી વહી નીકળ્યાં હતાં તેવું સરપંચ રાજેશ્રીબેન ગઢવીએ જણાવ્યું હતું. નખત્રાણાને આશ નખત્રાણાથી મળતા હેવાલ જણાવે છે કે, વરસાદની આગાહીના પગલે આજે સવારથી જ અકળામણ થાય તેવા બફારા બાદ બપોરે નગરમાં સાધારણ છાંટા પડયા હતા. જો કે, આકાશ-વરસાદી વાદળોથી ઘેરાયેલું છે તો બપોર બાદ વાતાવરણમાં મહદ્અંશે ઠંડક વર્તાઈ હતી. તાલુકાના મોટી વિરાણી, મંથલ, ઉગેડી, દેશલપર, (ગુંતલી) વિસ્તારમાં રોડ પલળે તેવો વરસાદ પડયો હોવાના વાવડ છે. વરસાદનો ધોરી  જુલાઈ માસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે મેઘરાજા મન મૂકીને વરસે તેવી વરુણ દેવને લોકોની પ્રાર્થના છે. ચંદ્ર ફરતે `વાડો' મોટી વિરાણીથી પ્રાપ્ત વિગતો કહે છે કે, ગત તા. 21મી જૂન રવિવારે ચોમાસાના શુકનવંતા આર્દ્રા નક્ષત્રના આરંભે મોટી વિરાણી આજુબાજુના વિસ્તારમાં વરસેલા વરસાદ બાદ ફરીથી આજે સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે મોટી વિરાણી-સુખપર, ગામ અને જંગલવાડી વિસ્તારમાં જાગવીજ સાથે વરસાદી ઝાપટું વરસતાં જમીન ઉપર પાણી વહ્યાં હતાં. ગત રાત્રિએ ચંદ્રને ફરતું કુંડાળું ત્રણેક દિવસમાં વધુ વરસાદ થવાના સંકેત આપી ગયું હતું.  શુંકનવંત આર્દ્રા નક્ષત્ર આગામી તા. 5 જુલાઈ રવિવાર સુધી ચાલશે. દરમ્યાન પાંચેક દિવસમાં વરસાદ વરસે તો ભયો ભયો. ભચાઉ ભીંજાયું ભચાઉ પણ બપોરે ભીંજાયું હતું અને પાણી વરસતું જોઈ લોકો બહાર નીકળી આવ્યા હતા. જો કે, વરસાદ ઝાઝો સમય ન રહેતાં નિરાશા વ્યાપી હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું. મોટી વિરાણીમાં ઝાંપટું આજે સવારથી ઉકળાટ, બફારા બાદ બપોરના ગાજવીજ સાથે છાંટા પડવા લાગ્યા. 15થી 20 મિનિટ ઝાપટું પડતાં વોકળા, શરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. ભારાપર, રામસરોવર સુધી વરસાદી ઝાપટાં પડયાના વાવડ છે. જોડિયા ગામ સુખપરમાં પણ ઝાપટું પડતાં પાણી વહી નીકળ્યાં હતાં. ગજણસર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો પણ ધાર્યો વરસાદ નહોતો વરસ્યો. રાપરમાં ઝાપટાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમીના માહોલમાં સવારે ઝાપટાં વરસી પડયાં હતાં. તાલુકા મથક રાપરમાં અડધા કલાક સુધીનાં ઝાપટાં પડયાં હતાં, જેના લીધે શહેરના દેનાબેંક ચોક, માલીચોક, મુખ્ય બજારો, આથમણા નાકા સહિતના વિસ્તારમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. વરસાદનાં ઝાપટાંના લીધે વાવેતર કરવામાં આવેલા મોલને ફાયદો થશે. રાપર ઉપરાંત ચિત્રોડ, નીલપર, કલ્યાણપર, પ્રાગપર, નંદાસર, ત્રંબૌ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હેવાલ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer