ભુજ સુધરાઈની બેઠકમાં ડખ્ખો: કર્મીઓ હડતાળ પર

ભુજ સુધરાઈની બેઠકમાં ડખ્ખો: કર્મીઓ હડતાળ પર
ભુજ, તા. 30 : મુખ્ય અધિકારી વિરુદ્ધ સત્તાપક્ષનો ઠપકા ઠરાવ, વિપક્ષ દ્વારા સી.ઓ.ની તરફેણ સાથે પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ તેમજ નગરપાલિકાના ઇતિહાસમાં સંભવત: પ્રથમ વખત સી.ઓ.ની તરફેણમાં કર્મચારીઓ દ્વારા માસ સી.એલ. સાથે કામ ઠપ કરવા સહિતના મુદ્દા આજે ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોને ધ્યાને લઇ આજે ભુજના ટાઉન હોલ ખાતે મળેલી સુધરાઇની સામાન્ય સભામાં 37 લાખના ખર્ચે ખારી નદી મોક્ષધામ સ્મશાન રિનોવેશનનું કામ, 14 લાખના ખર્ચે વરસાદી નાળાં સફાઇ, પશુ સુરક્ષા કેન્દ્ર (ઢોરવાડા)માં 10 લાખનો ઘાસચારો, 68 લાખના ખર્ચે નવા બોરવેલ, ઓફ્રેડ હાઇસ્કૂલમાં પાણીની લાઇન, બોરવેલ બનાવવા, એમ.પી./એમ.એલ.એ.ની ગ્રાન્ટના મંજૂર થયેલા કામોના ટેન્ડર અંગે નિર્ણય લેવા, 14મા નાણાપંચની ગ્રાન્ટનો વધારાનો ખર્ચ 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવા સહિત ગટર, પાણી, ઇન્ટરલોક સહિતના કામોને સમાવતા 44 ઠરાવોને બહાલી અપાઇ હતી. સભા પ્રારંભે મા ભોમની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને મૌન સાથે અંજલિ અપાઇ હતી. કારોબારી ચેરમેન ભરત રાણાએ 30,32,86,871ની ઓપનીંગ બેલેન્સ, 1,33,50,000 તસલમાત સાથે કુલ્લ 90,00,65, 930ના વાર્ષિક હિસાબ તથા 36,85,99,465ની ઓપનીંગ બેલેન્સ તથા 3,80,000 તસલમાત સહિત કુલ્લ 50,08,81,428ના ત્રિમાસિક હિસાબો રજૂ કરાયા હતા. જેને બહાલી અપાઇ હતી. નગરસેવક જગત વ્યાસે મંદિર-મસ્જિદ સહિતના દેવાલયોને વેરામાંથી મુકિત આપવા રજૂઆત કરી હતી જેને ઉપસ્થિત સૌએ વધાવી હતી.જો કે, આગોતરા એંધાણ સાચા ઠર્યા હોય તેમ આજની સભા ભારે ધમાચકડી ભરી બની રહી હતી. છેલ્લા કેટલાક સમયથી સત્તાપક્ષના જ નગરસેવકોને વહીવટકર્તા દાદ ન દેતા હોવાના આક્ષેપ વચ્ચે આજે ખુદ સત્તાપક્ષના નગરસેવક દિલીપ હડિયાએ ચાલુ સભામાં જ શાખાના ચેરમેન દ્વારા મગાતી માહિતી ન આપી માહિતી અધિકાર તળે માગવાનો આગ્રહ, ચેરમેનની રજૂઆતને બ્રાન્ચહેડ અને મુખ્ય અધિકારી દ્વારા ખોટી પાડતા નિવેદનો આપવા, નિયમ નેવે મૂકી કર્મીઓની આડેધડ ભરતી, ડબલ પગાર, પાણી-ગટરના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે સી.ઓ.ની જવાબદારી ફિક્સ કરી તેમની સામે કાર્યવાહી કરવા અને સરકારમાં પરત મોકલવા સહિતના મુદ્દા સાથેનો ઠપકા ઠરાવ રજૂ કરાયો હતો. શ્રી હડિયાએ શરૂઆતે જ પ્રમુખને સવાલ પૂછ્યો હતો કે, વોર્ડ નં. 4ના ત્રણ નગરસેવકો ભાજપના જ છે કે નહીં અને તો સત્તાપક્ષના હોય તો સાડા ચાર વર્ષમાં અન્ય વોર્ડમાં કરોડોના કામોને મંજૂરી અપાઇ છે ત્યારે ચોથા વોર્ડમાં માત્ર 32 લાખના જ કામો શા માટે ? તેમણે વોટરસપ્લાય શાખા તથા ગટરશાખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. અલબત્ત, પ્રમુખ સ્થાનેથી લતાબેન સોલંકીએ ઠપકા ઠરાવ પર સહી કરતાં જ વિપક્ષે એ ઠરાવનો વિરોધ દર્શાવી મુખ્ય અધિકારીની તરફેણમાં આવી કામો પદાધિકારીઓ અને સત્તાપક્ષના નગરસેવકો નક્કી કરતા હોય છે ત્યારે મુખ્ય અધિકારીનો કોઇ વાંક ન હોવાનું જણાવી સત્તાપક્ષ પર ટકાવારીનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષ પણ આજે નવાજૂનીના મૂડમાં હોય તેમ તેમના મુદ્દા સાંભળ્યા વિના જ ચાલતી પકડતા પ્રમુખને વિપક્ષે ઘેરી લીધા હતા અને આજે તો વિપક્ષની રજૂઆત સાંભળવી જ પડશે તેવી ઉગ્ર માંગ કરી હતી. યેનકેન પ્રકારે લતાબેન ટાઉનહોલના પ્રાંગણમાં ગાડીમાં બેસવામાં સફળ રહ્યા હતા પરંતુ વિપક્ષે ગાડી આગળ બેસી ગયા હતા. લગભગ અડધો કલાક ચાલેલા આ ઘટનાક્રમ બાદ અંતે પ્રમુખે ફરી ટાઉનહોલમાં આવી વિપક્ષને સાંભળવા પડયા હતા. વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાએ સભા બાદ જણાવ્યું કે, સત્તાપક્ષના નગરસેવકના કામો ન થતા હોય તો સામાન્ય લોકોને કોણ દાદ દે. નાળા સફાઇ, જળકુંભી વેલ, શિવકૃપાનગર ટાંકો, નવી કચેરીને પીપીપી ધોરણે બનાવવા, શહેરમાં ખોદકામ, રમતગમત મેદાન સહિતના મુદ્દે સત્તાપક્ષ પર પસ્તાળ પાળી હતી. ટાઉનહોલમાં ચર્ચાની લાગેલી આગના ધુમાડા છેક સુધરાઇ કચેરીએ ઊઠયા હતા અને સી.ઓ.ને અપાયેલા ઠપકા ઠરાવ અને કર્મચારી પર ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે કચેરી સ્ટાફ કામકાજ ઠપ કરી માસ સી.એલ. પર ઉતરી જઇ સત્તાધીશોના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. જો કે, આ વિરોધમાં ભુજ નગરપાલિકા સંયુકત કર્મચારી સંઘ સહમત ન હોવાનું મંત્રી બળવંત મોઢે જણાવ્યું હતું. બનાવને પગલે પોલીસ પણ ટાઉનહોલ ખાતે પહોંચી આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer