અંજારની આંબા બજારમાં રોજ 2પ હજાર બોક્સની આવક

અંજારની આંબા બજારમાં રોજ 2પ હજાર બોક્સની આવક
રશ્મિન પંડયા દ્વારા-   અંજાર, તા. 30 :સમગ્ર કચ્છમાં ખેતપેદાશોના વેચાણમાં અંજાર માર્કેટનું પીઠું મોટું નામ ધરાવે છે કારણ કે અંજાર તાલુકાના નાગલપર, સિનુગ્રા, ખેડોઈ, ખંભરા, પાંતિયા, લોહારિયા, ચંદિયા જેવા વિવિધ ગામો શાકભાજી અને ફળોની સમૃદ્ધ ખેતી ધરાવે છે.  કચ્છની કેસર કેરીનો સ્વાદ અને તેની સુગંધ અન્ય કેસર કેરીની તુલનામાં વિશિષ્ટ માનવામાં આવે છે અને એ કારણથી જ સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશમાં કચ્છની કેસર પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. અંજારમાં ચાલુ વર્ષે કેસર કેરીની આવક દરરોજના 5થી 7 હજાર બોક્સની થઈ હતી જે વર્તમાન દિવસોમાં દરરોજ 25થી 30 હજાર બોક્સની આવક આંબા બજારમાં થાય છે.કચ્છમાં કેસર કેરી માટે માફક વાતાવરણ હોતાં આ વર્ષે કેસર કેરીનું મબલખ ઉત્પાદન થયું હતું. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની વિપરીત અસર તેમજ જિલ્લાના અમુક વિસ્તારમાં વહેલા વરસાદના કારણે કેસર કેરીના વેચાણમાં ઘટાડાની નહિવત અસર થઈ હતી દર વર્ષે અંજારની માર્કેટમાંથી કેસર કેરીના રોજના હજારો બોક્સ અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસા, વડોદરા, સુરત, જામનગર, રાજસ્થાન, નાસિક તેમજ મુંબઇ સુધી પણ નિકાસ કરવામાં આવે છે જે ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ રહ્યા હતા.અંજાર તાલુકાના ખેતી ક્ષેત્રે નામના ધરાવતા અમુક વિસ્તારોમાંથી કેસર કેરીને બજારમાં આવતા નિયત સમય કરતાં વધુ સમય જરૂર લાગેલો પણ એના માટે પણ કેસરના રસિકોમાં ઉત્સુકતા યથાવત્ જોવા મળી હતી. કચ્છમાંથી  કેસર કેરી ઉપરાંત રાજાપુરી, હાફુસ, લંગડો, નીલમ અને બદામ, તોતા જેવી કેરીની વિવિધ જાતોનો મબલખ પાક થાય છે. પરંતુ સૌથી વધુ માંગ અને નિકાસ કેસર કેરીની જ થાય છે જેના માટે કેસર કેરીનો વિશિષ્ટ સ્વાદ અગત્યનું પરિબળ માનવામાં આવે છે. ચાલુ વર્ષે કેરીની આવકને ધ્યાનમાં રાખીને અંજાર-આદિપુર રોડ મધ્યે આવેલ ખાનગી માલિકીની ચાર એકર જેટલી ખૂલી જગ્યા પર  વિશાળ ડોમ બંધાવીને મેંગોના વેચાણ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી કારણ કે  વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાય. તેમજ વિશાળ ડોમમાં પૂરતી જગ્યા હોવાથી માલને ઉતારવા અને ચડાવવામાં પણ અનુકૂળતા રહે, સાથોસાથ ખેડૂતો પોતાની પેદાશોની હરાજી પણ સરળતાથી નિહાળી શકે એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી હતી.આ વર્ષે કેરીની પેદાશનું પ્રમાણ સંતોષજનક રહેલું પરંતુ લોકડાઉન તેમજ નિસર્ગ વાવાઝોડાની અસર અને અણધાર્યા વરસાદથી વેપારીઓને વેચાણમાં આંશિક મુશ્કેલી વેઠવી પડી હતી.દર વર્ષે અંજાર મધ્યે કેસર કેરી સહિત આંબાની અનેક જાતોની મોટા પ્રમાણમાં આવક થાય છે.કચ્છી કેસર કેરીનો સ્વાદ કચ્છ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને દેશમાંથી વિદેશમાં પહોંચતો રહ્યો છે અને હંમેશાં પહોંચતો રહેશે. મેંગોની વર્તમાન સિઝનને હવે જૂજ જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં કેસર કેરીના ભાવો ઊંચા ચાલી રહ્યા છે પણ કેસર કેરીના શોખીનો ભાવ બાબતે વધારે વિચારવાની તસ્દી નથી લેતા જે કચ્છની કેસર કેરીની ગુણવત્તા, સ્વાદ અને લિજ્જતની સાક્ષી પૂરે છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer