મુંદરા હોસ્પિટલ 30ના બદલે 50 બેડની કરો

મુંદરા હોસ્પિટલ 30ના બદલે 50 બેડની કરો
અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા-  મુંદરા, તા. 30 : મુંદરા સામૂહિક કેન્દ્ર (સરકારી હોસ્પિટલ)ના ત્રીરોગ નિષ્ણાત ડો. સમસુદ્દીન કબીરુદ્દીન દામાણીની જહેમતના કારણે સરકારી હોસ્પિટલની છાપ એટલી સુધરી ગઇ છે કે, એક સમયે મહિને પ્રસૂતિના કેસ 5 થી 6 આવતા હતા, તે આજે 90થી 100એ પહોંચ્યા છે. જ્યાં ખાનગી પ્રસૂતિગૃહમાં  સામાન્ય પ્રસૂતિના રૂા. 10થી 15 હજાર જ્યારે  સિઝેરિયનના 40થી 50 હજાર રૂા. ખર્ચવા પડે છે, ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ સામાન્ય હોય કે સિઝેરિયન તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવે છે. મૂળ નાગલપર (તા. અંજાર)ના 46 વર્ષીય ડો. દામાણીને મળતાં તેઓ જણાવે છે કે, હું સ્કોલરશિપ લઇને ભણ્યો છું, તેથી સામાન્ય નીચલા મધ્યમ વર્ગની મુશ્કેલીથી  વાકેફ છું. અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાંથી  એમ.બી.બી.એસ. કર્યા બાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી પાસ કર્યા બાદ અત્યારે મુંદરાની સરકારી હોસ્પિટલમાં સુપરિટેન્ડેન્ટ કલાસ વનની જગ્યા ઉપર ફરજ બજાવે છે. મુંદરામાં છેલ્લા પાંચ વર્ષથી રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા આ તબીબ જણાવે છે કે, સરકાર તરફથી દવાઓ એટલી અપાય છે કે, તેને પૂરેપૂરી વાપરી શકાતી નથી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોષીના સહયોગની નોંધ લેતાં આ મીતભાષી તબીબ આગળ જણાવે છે કે, રૂા. 5 લાખનું સ્કેલ કાઉન્ટર મશીન હોસ્પિટલે વસાવ્યું છે. અદાણી ફાઉન્ડેશન તરફથી વાર્ષિક રૂા. 72 હજારનો સહયોગ મળે છે, જ્યારે મુંદરાની શુભમ શિપિંગ સર્વિસીસ તરફથી દર્દી અને તેની સાથેની એક વ્યક્તિને નિ:શુલ્ક ભોજન મળે છે. સરકારી હોસ્પિટલની છાપ સુધરતાં કુલ 300થી 400 જેટલા ઓપીડી દર્દી નોંધાય છે, જ્યારે  રોગચાળા સમયે 500 કેસ પેપર લખાય છે. પેરામેડિકલ સ્ટાફની ભારોભાર પ્રશંસા કરતાં ડો. દામાણી ઉમેરે છે કે, એ મારા હાથ-પગ છે. તેમણે સૂચન કરતાં જણાવ્યું કે,  અત્યારની 30 બેડની હોસ્પિટલને 50 બેડની કરવાની ખાસ જરૂરત છે. અત્યારનું બિલ્ડીંગ નાનું પડે છે. ઉપરાંત  બ્લડબેન્કની તાતી જરૂરિયાત હોવાનું તેઓ કહે છે. હોસ્પિટલનાં નવાં બિલ્ડીંગ માટે રૂા. 3 કરોડ મંજૂર થયા છે. 22 વર્ષથી સરકારી વિવિધ હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા આ તબીબ લોહીના ટકા વધારવાના ઇન્જેક્શનો જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ વાપરે છે. મારા ઉપર બે જીવ (માતા અને બાળક)ની જવાબદારી હોય છે. ખાનગી હોસ્પિટલના તબીબ રોજની રૂા. 1 લાખની આવક રળી લે છે, ત્યારે ડો. દામાણી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે માત્ર પગાર ઉપર  ખડેપગે તૈનાત રહે છે.એક તરફ સમગ્ર તબીબી જગત પૈસાની પાછળ દોડી રહ્યું છે, ત્યારે આવા મૂલ્યનિષ્ઠ ઘટતા જાય છે, પણ છે એટલું ખરું ! 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer