આદિપુરના કેસર નગરમાં દબાણ હટાવતી વખતે ડખો : પોલીસ બોલાવવાની ફરજ પડી

આદિપુરના કેસર નગરમાં દબાણ હટાવતી વખતે ડખો : પોલીસ બોલાવવાની ફરજ પડી
ગાંધીધામ, તા. 30 : આદિપુરના કેસર નગર વિસ્તારમાં ગટરલાઇન બેસી જતાં અહીં નવી ગટરલાઇન બેસાડવા માટે પાલિકાએ દબાણકારોને  અગાઉ નોટિસ પાઠવી હતી. આજે આ દબાણો હટાવતી વેળાએ  હોબાળો થતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ બંદોબસ્ત સાથે અહીંના અડચણરૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.આદિપુરના કેસર નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટરલાઇન બંધ થઇ ગઇ છે, જેથી લોકોના મકાનોમાં પાણી ભરાઇ રહેતું હતું. આ ગટરલાઇન નવી નાખવાની ફરજ પાલિકાને પડી હતી. આ લાઇન ઉપર લોકોએ સંડાશ-બાથરૂમ, બાઉન્ડ્રી ઓટલારૂપી દબાણો ખડકી દીધા હતા. આવાં દબાણો હટાવવા પાલિકાએ લોકોને અગાઉ નોટિસ પાઠવી હતી.આ નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં આજે બપોર બાદ પાલિકાની ટીમ આ દબાણો હટાવવા કેસર નગર પહોંચી હતી.જ્યાં અમુક લોકોએ કેસર નગર પાલિકામાં કે અંતરજાળ ગ્રામ પંચાયતમાં  આવે છે, તેનો વિવાદ ચાલી રહ્યો હોવાનું કહી ડખો કર્યો હતો, તો અમુક લોકોએ અમે અમારા ખર્ચે ગટરલાઇન નાખી છે તેવું જણાવી વિરોધ કર્યો હતો. આ ડખો વધી જતાં પાલિકાને પોલીસની ટીમ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ આવી જતાં પાલિકાએ પોતાની કામગીરી શરૂ કરી હતી.આ જગ્યાએથી 26 જેટલા સંડાશ-બાથરૂમ, બાઉન્ડ્રી વગેરે દબાણો પાલિકાએ તોડી પાડયા હતા. ટૂંક સમયમાં અહીં ગટરલાઇન નખાઇ જશે અને લોકોને ગટરની સમસ્યામાંથી રાહત થશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer