-ને છેવાડાના વિસ્તારમાં પ્રગટી સેવાની જ્યોત

-ને છેવાડાના વિસ્તારમાં પ્રગટી સેવાની જ્યોત
સૂર્યશંકર ગોર દ્વારા-  રાપર, તા. 30 : મા અંબાના ધામની બાજુમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું હરિગઢ ગામ. આ ગામે એક વડીલ બીમાર થયા, ઘરમાં ભયંકર ગરીબી, વડીલને ખભે ઊંચકી સારવાર કરાવવા બાજુના ગામે લઈ જવાઈ રહ્યા હતા. થોડુંક અંતર કાપ્યું ત્યાં વડીલે ડોક ઝુકાવી દીધી, આંખો કાયમના માટે મીંચાઈ ગઈ ! આ દ્રશ્ય નાનકડું બાળક રમેશ ફાટી આંખે જોઈ રહ્યું, સારવારના અભાવે વડીલની કાયમી વિદાય. ભીની આંખે આ ઘટના જાણે ગઈકાલે જ બની હોય તેમ  રાપરના ગાયત્રી હોસ્પિટલના તબીબ ડો. રમેશભાઈ ઓઝા વર્ણવી રહ્યા હતા. ઘરમાં ભયંકર ગરીબી, ખાવાના સાંસા, પણ મનમાં ગાંઠ વાળી કે ડોક્ટર થવું છે. મોટા ભાઈ એમ.ડી. ફિઝિશિયન  બન્યા અને પોતે જનરલ પ્રેક્ટિસનર વાગડનો એક દર્દી મોટા ભાઈના રાધનપુર દવાખાને આવે છે. રમેશભાઈ યુવાન. 1995નું વર્ષ છે. દર્દી કહે - સાહેબ તમે રાપર આવોને. રાપરનું નામ સાંભળેલું, મનમાં નક્કી કર્યું કે છેવાડાના વિસ્તારમાં સેવાની જ્યોત જગવવી છે. નવા-નવા આવ્યા, લોકોની ગરીબી જોઈ, પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. ગાંધીજન રમેશભાઈ સંઘવીએ તે અરસામાં ખડીર રતનપરમાં સેવાયજ્ઞ શરૂ કર્યો. આ તબીબને ખડીરની ખબર પડી. દર ગુરુવારે રતનપર સંસ્થામાં પુરજીની લકઝરીમાં બેસી પતિ- પત્ની ખડીર  જાય. દર્દીઓની સેવા કરે. વિઝિટનો એક પૈસો નહીં  બાર ગામના લોકોની આઠ વર્ષ સેવા કરી. જોવાનો કોઈ જ ચાર્જ નહીં, માત્ર દવાના ટોકન પૈસા. વાગડની સંસ્થાના કોઈ પણ વિદ્યાર્થીની ફી નહીં લેવાની, કેટલાક  સેવાભાવી ભલામણ કરે તો તમામ સારવાર-સેવા ગરીબની  કરવી. ગરીબ દર્દીઓની કતાર લાગે. જરૂરત પૂરતી જ દવા આપવી. મારો દર્દી ઓછા ખર્ચે કેમ ઝડપથી સાજો નરવો થાય એ જ મિશન. વાગડના વંચિત સમુદાયના લોકોની સેવા એળે ન ગઈ અને પોતાની દીકરી મૈત્રી પણ આજે એમ.બી બી .એસ. બની પિતાથી સવાઇ બની. કોઈકના આંસુ લૂછેલા એળે જતા નથી એવું ભાવસભર હૈયે ડો ઓઝાએ કહ્યું. પ્રસન્ન ચહેરે દર્દીને સાંત્વના આપવી એ પહેલું કામ. કોરોના દરમ્યાન પણ લોકોને મોબાઈલ ફોન વડે નિરંતર માર્ગદર્શન આપી સેવાનો અવસર મળ્યે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer