કોરોનાની કામગીરીનો અનુભવ યાદગાર

કોરોનાની કામગીરીનો અનુભવ યાદગાર
મનજી બોખાણી દ્વારા-  ગાંધીધામ, તા. 30 : સામાન્ય સંજોગોમાં રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લાવવા આરોગ્યતંત્ર સક્રિય રહે છે, પરંતુ તેની સાથોસાથ વહીવટી તંત્રએ પણ તેટલી જ જવાબદારી નિભાવી હોય તેવું પ્રથમ વખત બન્યું હોવાની લાગણી કોરોનાની મહામારીની કામગીરી સાથે સંકળાયેલા તબીબોએ વ્યક્ત કરી હતી. તેમજ આ બીમારીમાંથી લોકોને મુક્ત થઈ રહ્યા છે તેનો આનંદ તબીબો વ્યક્ત કરી રહ્યા છે.અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયાએ  જણાવ્યું હતું કે કોઈ ઈન્ફેક્શન કે રોગ માટે વ્યાપક જાગૃતિ અને ભય પ્રથમ વખત જોયો છે. રોગચાળાને નાથવા માટ ઁ મહેસૂલ તંત્ર ખભે ખભા મિલાવીને ઊભું હોય તેવું ભૂતકાળમાં પણ નથી બન્યું અને ભવિષ્યમાં પણ નહીં બને તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. કોરોનાને મેનેજ કરી શક્યા તે બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. લોકડાઉન દરમ્યાન કચ્છમાં માળખાંકીય સુવિધા ઊભી કરી શક્યા અને જે કેસ બહાર આવ્યા, તેને સારવાર આપી અને હજુ પણ વધુ કેસ આવે તો પણ કોઈ તકલીફ પડે તેમ નથી. કોરોનાને નાથવા સામાજિક રીતે તો એક થવું પડશે, પરંતુ આ બીમારી હાથ ધોવા, માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા સહિતનું ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની આદત કોરોના શીખવાડી ગયો હોવાનું તેમણે કહ્યું હતું. ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ પોતાના અનુભવો  અંગે કહ્યું હતું કે ઓપીડીની સાથોસાથ ટ્રેનમાં જતા મજૂરોનું ક્રીનિંગ, ફેરિયાઓને હેલ્થકાર્ડ બનાવવાની કામગીરી કવોરેન્ટાઈન  થવાની ના કહેતા કે બહાર ફરતા હોય તેવા લોકોને સમજાવી કાયદાનો સહારો લઈ કવોરેન્ટાઈનની કરાતી કામગીરી, સંસ્થાકીય કવોરેન્ટાઈનમાં લોકો માટે રૂમ તૈયાર કરવા, સાફસફાઈ, જમવાની વ્યવસ્થા સહિતની કામગીરી સારી રીતે પાર પડી તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. હોર્ડીંગ, બેનર, કવોરેન્ટાઈન સ્ટીકર, સેન્ટરમાં જમવાની વ્યવસ્થા સહિતની જવાબદારી સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉપાડી હોવાનું તેમણે કહ્યું હતું. હોસ્પિટલના સાધનો અને વ્યવસ્થા માટે હરિઓમ હોસ્પિટલના સ્ટાફની મહેનત, કવોરેન્ટાઈન માટે સતત આવતા ફોનમાં  લોકોને જવાબ આપવા સહિતની કામગીરી યાદગાર રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પોઝિટિવ  દર્દીની જાણ થાય એટલે  સંપર્કને શોધવા, દર્દીને હોસ્પિટલ રીફર કરવા, સંપર્કને કવોરેન્ટાઈન સેન્ટરમાં મૂકવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હોવાનું તેમણે કહ્યું હતું. સતત ત્રણ મહિના સુધી તબીબો, આરોગ્ય સ્ટાફ, આશા બહેનો દ્વારા સતત કામગીરી કરાઈ છે.  ભચાઉના તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંઘે 24 વર્ષની  કારકિર્દીમાં કોરોનાની કામગીરીને પડકારજનક લેખાવી હતી અને સૌના સાથથી આ પડકાર પાર પાડી રહ્યા છીએ તે બદલ તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ભચાઉ શહેર અને  તાલુકામાં 34 કેસ બહાર આવ્યા અને તમામ દર્દીઓઁ કોરોનાથી મુક્ત થયા છે  તે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. પ્રજા અને આરોગ્ય તંત્ર સાથે મળીને કામ કરે તો કોઈ પણ મહામારીને નાબૂદ કરી શકાય તેવું રાપરના તાલુકા આરોગ્ય અધિકારી ડે. પૌલે જણાવ્યું હતું. બે દાયકાની કામગીરીમાં પડકારભરી કામગીરી સારી રીતે પાર પડી રહી છે અને લોકો જાગૃતિ દાખવી રહ્યા હોવાનું આનંદ સાથે જણાવ્યું હતું. અઢી લાખની વસ્તીમાં  બહારના બે અને સ્થાનિકના પાંચ સહિત 7 કેસ   આવ્યા અને તમામ કોરોનામુક્ત થયા હોવાનું ઉમેર્યું હતું.  પૂર્વ કચ્છમાં આરબીએસકે  ડોક્ટર, આશા બહેનો,  હેલ્થ વર્કરોએ કોરોનાને નાથવા દિવસ રાત એક કર્યાં છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer