સરકારી તબીબની કાળજીથી લખપત તાલુકો સંક્રમણથી બચ્યો

સરકારી તબીબની કાળજીથી લખપત તાલુકો સંક્રમણથી બચ્યો
વિશ્વનાથ જોશી દ્વારા-  દયાપર (તા. લખપત), તા. 30 : સમગ્ર કચ્છમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ લખપત તાલુકાના આશાલડી ગામમાં નોંધાયો હતો, ત્યારે કચ્છના સમગ્ર આરોગ્યતંત્રનું ધ્યાન આશાલડી પર હતું. લખપત તાલુકાના આરોગ્ય અધિકારી અને બબ્બે જવાબદારી જેમના પર છે  તેવા માતાના મઢ પ્રા. આ. કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસર આ બન્ને જવાબદારી ડો. રોહિતભાઈ ભીલે બખૂબી નિભાવી છે. આશાલડી પછી કોટડા (મઢ)માં પણ પોઝિટિવ કેસ થયો. પરંતુ તેમનાં સતત માર્ગદર્શન અને તાલીમ હેઠળ તાલુકાની આરોગ્ય ટીમના એક પણ કર્મચારીને સંક્રમણ ન થયું. કોરોનાના પ્રકોપ વચ્ચે તાલુકાની 15 જેટલી સગર્ભા મહિલાઓને સમયસર 108 દ્વારા ભુજ પહોંચાડી અને તેમની સાથે આરોગ્ય ટીમના પ્રતિનિધિ મોકલી સમયસર સારવારથી જીવ બચાવ્યા, એટલું જ નહીં પણ લખપત તાલુકામાં પોઝિટિવ કેસ નીકળ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન તેમજ તેમની સમયસર ચકાસણી કરી કેસ વધવા ન દીધા. તાલુકાના નરા, વાયોર, મા. મઢ, ના. સરોવર, લખપત, ઘડુલી, દોલતપરમાં ટીમ દ્વારા જાગૃતિ ફેલાવી. નારાયણ સરોવરમાં વૃદ્ધાશ્રમ તેમજ માછીમારોનું ચેકઅપ કર્યું, વતન જતા પરપ્રાંતીયોનું પણ મોટી સંખ્યામાં ચેકઅપ કર્યું. જ્યારે લખપત તા.માં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો ત્યારે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત માહિતીની જવાબદારી નિભાવ અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીથી માતાના મઢ ગ્રા. પં. દ્વારા સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામજનોએ આ તબીબ તેમજ સમગ્ર આરોગ્ય ટીમને `કોરોના વોરિયર્સ' તરીકે સન્માન્યા હતા. કોરોના સામે પ્રોટેક્શન ઈક્વિપમેન્ટના ઉપયોગની તાલીમ, રોગપ્રતિકારક શક્તિની સમજણ સાથે સમગ્ર આરોગ્ય ટીમને સંક્રમણ રહિત રાખી હતી. લખપત તાલુકા જેવા દુર્ગમ વિસ્તારમાં આરોગ્યના રક્ષણની સેવા બજાવતા લડવૈયા તબીબને સલામ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer