ત્રણ દાયકાથી તબીબી સેવા સાથે કાર્યરત નલિયાના ડોક્ટર

ત્રણ દાયકાથી તબીબી સેવા સાથે કાર્યરત નલિયાના ડોક્ટર
સતીશ ઠક્કર દ્વારા- નલિયા (તા. અબડાસા), તા. 30 : અબડાસામાં આરોગ્ય સેવાનો વ્યાપ વધ્યો ન હતો તેવા સમયે એટલે કે આજથી ત્રણ દાયકા પૂર્વે અબડાસા તાલુકાના જ બુટ્ટા ગામના ડો. ગોપાલભાઈ ભાનુશાલી વર્ષ 1989માં એમ.બી.બી.એસ.ની ફાઈનલ પરીક્ષા પાસ કરી તબીબી વ્યવસાયમાં સરકારી નોકરીમાં જોડાયા. એકાદ વર્ષ ભુજ જનરલ હોસ્પિટલ અને ત્યાર બાદ થોડો સમય નખત્રાણા ખાતે સેવા આપી. છેલ્લા ત્રીસેક વર્ષથી અબડાસાના નલિયા ખાતે જ સેવા આપે છે.  23 વર્ષ તબીબ તરીકે સરકારી નોકરી કર્યા પછી છેલ્લા આઠ વર્ષથી ખાનગી હોસ્પિટલ ચલાવતા ડો. ભાનુશાલી દિવસ-રાત જોયા વિના સતત દર્દીઓની શુશ્રૂષા માટે તત્પર રહે છે. તેઓ દર્દીઓની સેવાને પોતાની ફરજનો જ એક ભાગ ગણાવતાં કહે છે કે, દરેક તબીબે આવું માનવું જોઈએ. તેમને તબીબી વ્યવસાયમાં ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને આટલા વર્ષોની પ્રેક્ટિસ પછી પણ તેમને ક્યારેય કંટાળો કે થાક લાગતો નથી. દર્દીઓને તેઓ ભગવાન જ સમજે છે તેમજ પોતાને આવી સમાજસેવા કરવાનો મોકો મળ્યો તે બદલ પોતાને ખુશનસીબ સમજી અબડાસા જેવા દુર્ગમ વિસ્તારમાં એક સમય એવો હતો કે, સમગ્ર અબડાસા પંથકમાં એક પણ એમ.બી.બી.એસ. ડોક્ટર ન હતા, ત્યારથી જ અબડાસાની જનતાની નાળ પારખીને આરોગ્યસેવા આપતા આ તબીબ ખુદ પણ અનેક માટે પ્રેરણારૂપ છે. અબડાસા જેવા દુર્ગમ વિસ્તારમાં જ્યારે ખરેખર તબીબી સેવાની જરૂર હતી તેવા સમયે જ પોતાને એક તબીબ તરીકે અબડાસાની જનતાની સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ ધન્યતા અનુભવી દુ:ખ દર્દથી પીડાતા નાગરિકોની સેવા કરવાની ખૂબ જ મજા આવે છે તેવું જણાવી ડો. ભાનુશાલી કહે છે કે, અબડાસા  એ જન્મભૂમિ તો છે જ પરંતુ કર્મભૂમિ બની તે બદલ ગર્વ સાથે  આનંદની લાગણી અનુભવું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer