અગવડતા વચ્ચે ખડીરમાં સેવાનો આનંદ

અગવડતા વચ્ચે ખડીરમાં સેવાનો આનંદ
રામજી મેરિયા દ્વારા-  ચોબારી (તા. ભચાઉ), તા. 30 : સમાજમાં તબીબને ઈશ્વરનું બીજું રૂપ ગણવામાં આવે છે. તેમાંયે કોરોના મહામારી વચ્ચે દાક્તરની સેવાનું મહત્ત્વ અદકેરું બની રહ્યું છે. ખડીર જેવા સીમાવર્તી અને પછાત વિસ્તારમાં ફરજ બજાવતા યુવાન તબીબ `બારમાસી વોરિયર' બની રહ્યા છે. અડધી રાત હોય કે ખરા બપોર, દર્દી ગમે ત્યારે આવે તેના આરોગ્યની સંભાળ તે દાક્તરનો પ્રથમ ધર્મ બની જતો હોય છે. અહીં વાત છે મૂળ ભચાઉના જ અને ટૂંકા ગાળામાં 2016માં નોકરી મળ્યા બાદ આખાય કચ્છની તાસીર જાણીને ભચાઉ, રાપર, પલાંસવા, નખત્રાણા, ખાવડા અને હાલે ખડીરમાં જનાણ ખાતે ડેપ્યૂટેશનમાં છેલ્લા અઢી વરસથી સેવા આપતા ડો. જતિનભાઈ કેલાની. પોતે એમ.બી.બી.એસ.ની ડિગ્રી ધરાવે છે, હાલે છેવાડાના ખડીર જનાણ ગામમાં પોતાની સેવા આપતા આસપાસના ગામોમાં સારવાર ઉપરાંત જરૂર જણાય તેને 108 મારફત રાપરમાં રિફર કરીને આ સરહદી વિસ્તારામાં ખરા અર્થમાં સરહદના સંત્રી બની રહ્યા છે  અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખે છે. તેમને આવા વિસ્તારમાં સેવા કરતા હોવાનો રાજીપો પણ છે. અંતરિયાળ વિસ્તારમાં પાણી ન મળે, લાઈટની સમસ્યા હોય, વાહનવ્યવહારની પણ અગવડતા... ત્યારે આવી અસુવિધાઓ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનામાં ભચાઉ તાલુકાનો આ `ટાપુ' એવો ખડીર વિસ્તાર અત્યાર સુધી કોરોના મુક્ત રહ્યો છે. ડો. જતિનભાઈના જણાવ્યા પ્રમાણે અહીંના લોકો પણ જાગૃત છે અને ઓછી વસતી હોવાથી ધ્યાન પણ આપી શકાય. આમ આ વિસ્તાર હજુ સુધી સુરક્ષિત હોવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આમ દાકતર જેવી નોકરી મળી ગયા બાદ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને પોતાના વ્યવસાયનો આનંદ પણ તેમાંથી લે છે. બસ માત્ર હકારાત્મક અભિગમ અપનાવાય તો બધું જ સારું લાગે તેવો તેમનો સંદેશ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer