અંજારમાં બગીચાનો કાયાકલ્પ

અંજારમાં બગીચાનો કાયાકલ્પ
અંજાર, તા. 30 : કોરોનાની મહામારીને લીધે અસ્તવ્યસ્ત થયેલું જનજીવન પાછું થાળે પડી રહ્યું છે. અનલોક-1માં તમામ ધંધાકીય સેક્ટર્સ અને દેવસ્થાનો ખૂલી ગયા છે અને બગીચાઓ ખૂલવાની શક્યતા છે, ત્યારે લોકડાઉન પિરીયડનો લાભ લઈને અંજારમાં દેવળિયા નાકા પાસે આવેલ `અંજાર મ્યુનિસિપલ પબ્લિકપાર્ક'ને નવો ઓપ આપવામાં આવ્યો છે. સવાર-સાંજ વાકિંગ માટે આવતા શહેરવાસીઓ માટે ફરી વૃક્ષો વચ્ચે ટહેલવાના રસ્તા ખૂલી જશે. અંજારના હૃદયસમા આ બગીચામાં જુદા જુદા સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, તે માટે દીવાલોને પતંગિયા અને મેઘધનુષના રંગોથી તૈયાર કરવામાં આવી છે. ડેકોરેશન ઉપરાંત બગીચામાં દેખરેખ માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે, તો પક્ષીઘર, પાણીના કુંડા ઉપરાંત શહેરને ચોખ્ખી હવા પૂરી પાડવા 75 વૃક્ષો અને રોપા પણ વાવવામાં આવ્યા છે. પાણીની પરબ, રંગબેરંગી બાંકડાઓ અને બાળકો માટેના રમત-ગમતના સાધનો, ટીવી વગેરે સુવિધાઓ ધરાવતા બગીચામાં હાલમાં ઘાસ અને ફૂલો માટે નવા પ્લોટની કામગીરી ચાલુ છે. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા ઉપરાંત અંજારના વિકાસમાં 17 વર્ષ યોગદાન આપનારા શ્રી રૂસ્તમજી નસરવાનજી ડાંગોરની અર્ધપ્રતિમા પણ બગીચામાં મૂકવામાં આવી છે. અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ, પ્રમુખ રાજેશભાઈ પલણ, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબહેન ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેનિભાઈ શાહ, ગાર્ડન સમિતિના ભરતભાઈ ઠક્કર અને નગરપાલિકાના કર્મચારીઓ તથા બગીચાના કર્મચારીઓએ આ ગાર્ડનની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે, તેવું ગાર્ડન સમિતિના ચેરમેન સુરેશભાઈ ઓઝાની યાદીમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer