પૂર્વ કચ્છમાં ડ્રગ્સ નિષેધ દિન ઊજવાયો

પૂર્વ કચ્છમાં ડ્રગ્સ નિષેધ દિન ઊજવાયો
ગાંધીધામ, તા. 30 : વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસના ઉપલક્ષમાંપૂર્વ કચ્છના તમામ પોલીસ મથકે કાર્યક્રમ યોજાયા હતા. જેમાં સમાજમાં દરેક નશીલા પદાર્થના સેવનથી દૂર રહી નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ અપાયો હતો. પૂર્વ કચ્છના એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા નશા વિરોધી  દિન નિમિત્તે લોકજાગૃતિ અર્થે શાળા-કોલેજોની બહાર તથા અન્ય જાહેર સ્થળો ઉપર  માહિતી આપતાં ચોપાનિયાં, વાહનો ઉપર બેનરો, લાઉડ સ્પીકરથી માદક પદાર્થનું સેવન  ન કરવા માહિતી અપાતી હતી. વર્તમાન સમયમાં  સૌથી વધારે ઉપયોગી  ઓનલાઈન માધ્યમ એવા સોશિયલ મીડિયા ઉપર પણ પ્રચાર-પ્રસાર કરાયો હતો. કચ્છના જાણીતા કલાકાર ગીતાબેન રબારી, સંજયભાઈ મૌર્ય, શહેનાઝ શેખ, હેતલબેન ઠક્કરે પણ ડ્રગ્સ વિરોધી દિવસે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતાબેન રાઠોડનાં માર્ગદર્શન તળે એસ.ઓ.જી. પી.આઈ. વી.પી. જાડેજા, પી.એસ.આઈ. વી.જી. લાંબરિયા  તથા ટ્રાફિક સ્ટાફના કર્મચારીઓ જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈએ કર્યું હતું. સમાજનો પ્રત્યેક નાગરિક નશીલા પદાર્થનાં સેવનથી દૂર રહી નશામુક્ત સમાજનાં નિર્માણમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથેના અભિયાનમાં પૂર્વ કચ્છના પોલીસ મથકોના કર્મચારીઓ પણ જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer