25 વર્ષ જૂની અંજાર શહેરની લાયન્સ ક્લબના હોદ્દેદારો વરાયા

25 વર્ષ જૂની અંજાર શહેરની લાયન્સ ક્લબના હોદ્દેદારો વરાયા
અંજાર, તા. 30 : લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલનું વર્ષ જુલાઈથી જૂનનું હોય છે અને દર વર્ષે નવા અધિકારીઓ દરેક ક્લબની જવાબદારી સ્વીકારતા હોય છે. વર્ચ્યુઅલ ઝૂમ મિટિંગ મારફતે ડિસ્ટ્રીક્ટ 3232ની બધી જ ક્લબોના એક જ દિવસે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 વર્ષ જૂની અંજાર ક્લબના અધિકારીઓની વરણી પણ કરવામાં આવી હતી. સી.એ. રાજેન્દ્ર શાહની પ્રમુખ તરીકે, અશોક દોશીની મંત્રી તરીકે અને વસંત પારેખની ખજાનચી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવા પદાધિકારીઓએ વર્ષ 2020-21માં ક્લબના ઉદ્દેશ્યો પર કામ કરી અને ક્લબનું નામ રોશન કરવાની નેમ લીધી હતી. 3232ના ગવર્નર ધીરેનભાઈ મહેતા, રિજિયોનલ ચેરપર્સન વાડીલાલ નાકરાણી અને ઈન્સ્ટોલેશન ઓફિસર અને ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ભરતભાઈ મહેતા, ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મીનાબેન મહેતા, ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર સુરેશભાઈ શુક્લા તથા લાયોનેસ અને લીઓ સભ્યોએ હાજરી આપી હતી. અંજાર લાયન્સ ક્લબ તરફથી 25 વર્ષમાં કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિઓ, ભૂકંપ દરમ્યાન લાયન્સ સભ્યોએ ખડેપગે રહીને કરેલી કામગીરી હોય કે દરેક વખતે શહેરમાં સેવાના પ્રકલ્પ વખતે સભ્યોએ વિવિધ કામ કર્યાં છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer