કચ્છમાં કોરોનાનો આંક ડરામણો બને છે

ભુજ, તા. 30 : ખુદ વડાપ્રધાને આજે પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં નાગરિકોએ કોરોના સામે લાપરવાહી નહીં દાખવવા અપીલ કરી છે,  ત્યારે કચ્છમાં ભલે મહામારીનું પ્રમાણ ઓછું છે, પરંતુ પાછલા 15 દિવસમાં  કહેર વધતો જાય છે. આજે નવા 9 પોઝિટિવ કેસ આવી જતાં કચ્છનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હવે દરેક વ્યકિતએ એક બાબતનું ધ્યાન રાખવાનું છે અને એ રીતે જ ચાલવાનું છે. જો નાગરિકો એમ માની લે કે, સામેવાળી વ્યકિત પોઝિટિવ છે, તો જ નેગેટિવ રહેવાની તક વધી જશે. અન્યથા સંક્રમણ વધતું જશે તેવું જાણકારો પણ કહી રહ્યા છે. ચોમાસાનું આગમન થઇ ગયું છે એટલે ઠંડકના કારણે આમેય શરદી, ઉધરસનું પ્રમાણ વધતું હોય છે. એવામાં આ કોરોના  ફેલાવાની શક્યતાઓ વધુ હોય છે એટલે કચ્છી લોકો વધુ સતર્ક બને તેવી અપીલ વારંવાર કરવામાં આવી રહી છે. આજે જિલ્લા વિકાસ અધિકારીએ બહાર પાડેલી સત્તાવાર યાદીમાં ભુજની પાલારા જેલના એક સુરક્ષા કર્મચારી સહિત નવા 9 કેસ પોઝિટિવ આવ્યા છે. રાપર તા.ના બેલા ગામના 29 વર્ષીય યુવક દેવુભા હેતુભા વાઘેલા, ગાંધીધામ બીએસએફના જવાન વિજેન્દ્રસિંઘ ઉ.વ. 30, મેઘપર (બો)ની ભગીરથ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહિલા રેખા ભગત ઉપાધ્યાય, માંડવી નજીક કોડાયપુલની મહાવીરનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવક પુનશી ગઢવી, લોરિયાના ઠાકરવાસમાં રહેતા 22 વર્ષીય વિરમસિંહ જાડેજા, અબડાસાના હરિપર ગામના 20 વર્ષીય જીવીબેન રમેશ, પાલારા જેલના 22 વર્ષીય રવીન્દ્રસિંહ મદારસિંહ પરમાર, ગડા પાટિયાની કલ્યાણેશ્વર સોસાયટીના 37 વર્ષીય  સંદીપ ઝાલા, માંડવીની બાબાવાડી વિસ્તસારના 55 વર્ષીય આધેડ દીપક મગનલાલ જોશીને કોરોના પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે. જેલના એક સુરક્ષા કર્મચારી પોઝિટિવ આવતાં અમુક કેદીઓ તથા કેટલાક અન્ય જવાનોને અલગ તારવીને અલગ રાખવાની કવાયત કરવામાં આવી હતી.માંડવી તા.ના કોડાયપુલની બાજુમાં મહાવીરનગર (વર્ધમાનનગર)માં રહેતા ફરાદીના 28 વર્ષીય યુવાન તલાટીનો રિપોર્ટ જી.કે. હોસ્પિટલમાં કરાયો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો. દોઢ મહિના પહેલાં પણ મહાવીરનગરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ડો. પાસવાન, ગામના અગ્રણી સુરેશ જોષી, પોલીસ જમાદાર દીપસિંહ સોઢા, પ્રકાશ ઠક્કર, સંજય માકાણી, અશ્વિન ગઢવી તેમજ પોલીસ ટીમ સહિતે તકેદારીની કામગીરી હાથ ધરી હતી.આજના 9 પોઝિટિવ કેસ નવા આવતાં કચ્છનો આંક 164 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ્લ 102 જણને રજા આપવામાં આવી છે, જ્યારે આઠનાં મૃત્યુ થયાં છે. એકિટવ કેસની સંખ્યા વધીને 54 થઇ ગઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer