ખાલી કેનાલમાં માટીના થર: સફાઈ કરાતી જ ન હોવાનો આક્ષેપ

ગાંધીધામ, તા.30 :કચ્છને નર્મદાનાં સિંચાઈનાં પાણી પૂરાં પાડવા માટે બનાવાયેલી કચ્છ શાખા નહેરમાં પેટા અને મુખ્ય કેનાલના પ્રવાસ દરમ્યાન  નંદાસરથી ચોબારી વચ્ચે કેનાલમાં સફાઈની બેદરકારી ઊડીને આંખે વળગી હતી. દરવાજા બંધ કરવા માટેની મોટરો છે, પરંતુ તેને ચાલુ કરવા માટે વીજજોડાણ પાંચ વર્ષે પણ નથી મળ્યું નંદાસરથી આગળ જતા જ કેનાલમાં માટીના થર જામેલા હોવાથી તળિયું  બનાવ્યું છે કે કેમ તે   દેખાતું જ  ન હતું. અનેક સ્થળે તળિયામાં પણ ગાબડાં નજરે પડયાં હતાં.  ગત વર્ષે ભરૂડિયા પાસે જ્યાં કેનાલમાં ગાબડું પડયું હતું તે સ્થળે  તળિયામાં ગત વર્ષે સમારકામ કરેલી માટી પડેલી જણાઈ હતી. આ માટીના ઢગલાના કારણે પાણી નહીં રહે  તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. આ ઉપરાંત અનેક સ્થળે પાણી છે ત્યાં લીલ જામેલી પણ નજરે પડી હતી.કેનાલમાં સમારકામ કરવા માટે જેસીબી ઉતારાનું હોવાના કારણે નહેના એક ભાગનું સમારકામ થાય અને બીજો ભાગ તૂટી જાય છે. કેનાલની સફાઈ માટેની કોઈ કામગીરી કરાતી ન હોવાની પરિસ્થિતિ જણાઈ હતી. પેટા અને મુખ્ય કેનાલમાં દરવાજા ખોલવા અને બંધ કરવા માટે મોટરો લગાડવામાં આવી છે પરંતુ પાંચ વર્ષ થયાં હજુ સુધી વીજ કનેકશન નથી મળ્યું. જેથી દરવાજા ખોલવા - બંધ કરવાની કામગીરી મેન્યુઅલી કરાય છે. વીજજોડાણ નિગમ કેમ ન મેળવી શકયું તેવો સવાલ ખેડૂતોએ કર્યો હતો.  લાંબા સમયથી આ પરિસ્થિતિ હોવા  છતાં નિગમ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી કરાતી, તેવી રાવ લોકોએ  વ્યક્ત કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer