ગાંધીધામ બીએસએફનો જવાન સંક્રમિત

ગાંધીધામ, તા. 30 : ભુજ બીએસએફ અને આર્મીના જવાનો કોરોના સંક્રમિત થયા બાદ આજે ગાંધીધામ સીમા સુરક્ષા બળ બટાલિયનના જવાન કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા ચકચાર પ્રસરી છે. આ ઉપરાંત આજે મેઘપર બોરીચીના સંક્રમિત દર્દીના પત્ની અને રાપર તાલુકાના બાલાસરના યુવાન પણ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગાંધીધામ બીએસએફની 150 નંબરની બટાલિયનના જવાન વીજેન્દ્રનું સેમ્પ લેવાયું હતું. ગાંધીધામ બટાલિયનમાં પ્રથમ  કેસ પોઝિટિવ આવતાં ચકચાર પ્રસરી છે.  આ જવાન માર્ચ મહિનાથી જ અહી છે. તેઓ મેડિકલ વિભાગમાં જ ફરજ બજાવતા હતા. કોરેન્ટાઈન સેન્ટરમાં બહારથી આવતા જવાનોના આરોગ્યની તપાસ  કરવા સહિતની કામગીરી કરતા હતા.આ દરમ્યાન કોઈ દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. દરમ્યાન અંજાર તાલુકાના મેઘપર (બોરીચી)ના ભગીરથ નગરમાં રહેતા અને હાલ લીલાશાહ કુટીયા ખાતે સંસ્થાકીય કવોરેન્ટાઈન રહેલા રેખાબેન ઉપાધ્યાયનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કાલે રાત્રિના અરસામાં તબિયત બગડી હતી. જેથી રાત્રિના જ તેમને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં  સારવાર માટે લઈ જવાયાં હતાં. આમ  પરિવારના બીજી વ્યક્તિ સંક્રમિત થયા છે. દરમ્યાન રાપર તાલુકાના બેલા ગામનો યુવાન દેવુભા હિતુભા વાઘેલાનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો છે. તેઓ પોઝીટીવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોવાથી તેમનું સેમ્પલ લેવાયું હતું.  વધુ એક કેસ આવતાં રાપર તાલુકાના કોરોનાનો આંક 6 થયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer