કેનાલમાં પડતાં ગાબડાં માટે ખરાબ સોઈલ પ્રોપર્ટી કારણભૂત : ચીફ ઈજનેર

ગાંધીધામ, તા. 30 : રાપર અને ભચાઉ તાલુકામાં બનેલી કચ્છ શાખા નહેરની કેનાલ મોડકુબા સુધી પાણી પહોંચાડવા માટે સક્ષમ ન હોવાના કચ્છ ભારતીય કિસાન સંઘના આક્ષેપ સામે સરદાર સરોવર નિગમ ચીફ ઈજનેરે કેનાલ પાણી વહન માટે સક્ષમ હોવાનું કહ્યું હતું.   સરદાર સરોવર નિગમના ચીફ ઈજનેર શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, કેનાલની ક્ષમતા6000 કયુસેકની  છે, તેની સામે 200 કે 400 ક્યુસેક પાણી જ  છોડવામાં આવે છે. કેનાલમાં પડેલાં ગાબડાં અંગે કહ્યું હતું કે, સોઈલ પ્રોપર્ટી ખરાબ હોવાના કારણે સ્લાઈડિંગ થઈ જાય છે.  બે જગ્યાએ આ સમસ્યા થઈ હોવાનું જણાવી કહ્યું હતું કે, સોઈલ ફરીવાર રીમેડી કરી સોલ્યુશન કરવું પડશે. એ માટે ડિઝાઈન એકસપર્ટને બોલાવાશે, પરંતુ તેના કારણે પાણી વહેવડાવવામાં કોઈ સમસ્યા નહીં થાય તેવું ઉમેર્યું હતું. જ્યાં જ્યાં ગાબડાં પડયાં છે ત્યાં અમુક જગ્યાએ નિગમ દ્વારા ટેન્ડરિંગ કરીને  અને અમુક જગ્યાએ એજન્સી પાસે સમારકામ કરાવાશે તેવું જણાવ્યું હતું. ખાલી કેનાલમાં માટીના જામેલા થર અંગે કહેતાં માટીનાં કારણે પાણી સંગ્રહ થવામાં કોઈ તકલીફ નહીં થાય તેમ કહી સફાઈ કરાવવાની   સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. કેનાલ માત્ર એકથી દોઢ મહિનો જ ખાલી રહેતી હોવાના કારણે મરંમત પાછળ સમય ઓછો મળતો હોવાનું અને તેના કારણે સર્જાતી ખામી નિવારી શકાતી ન હોવાનો સ્વીકાર તેમણે કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer