જુણામાં પોલીસ પરના હ્નમલામાં આઠ ઝડપાયા : હત્યાનો પ્રયાસનો ગુનો

ભુજ, તા. 30 : તાલુકાના પચ્છમ વિસ્તારના જુણા ગામે ખનિજ (રેતી) ચોરીના મામલે ગઇકાલે મોડીસાંજે ખાવડા પોલીસ મથકની ફોજદાર સાથેની ટુકડી ઉપર પથ્થરમારા સાથે હથિયારો વડે હ્નમલો થવાના ચકચારી કિસ્સામાં 36 ઇસમ સામે નામજોગ અને તેમની સાથેના ટોળામાંના એકાદસો જણ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે મોડેથી ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં આજે સાંજ સુધી આઠ તહોમતદારની પોલીસે ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે વધુ આરોપીઓ ઝડપી લેવા સહિતની પોલીસની તપાસનો ધમધમાટ અવિરત રહયો છે. બહાર આવેલી વિગતો અનુસાર હ્નમલાની આ ઘટનામાં ઘાયલ થયેલા ખાવડાના ફોજદાર વાય.પી.જાડેજા તથા સ્ટાફના મહિપતાસિંહ વજુભા વાઘેલા, માણશી (માણેક) રાજીયાભાઇ ગઢવી, કેશરભાઇ સરદારભભાઇ ચૈધરી (પટેલ) અને પગી રાયબજી રામસંગજી સોઢાને ગતરાત્રે 108 મારફતે ભુજ ખસેડાયા હતા. આ તમામને અત્રેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ખનિજચોર તત્વો અને તેમના સાગરિતો એવા ટોળામાં સામેલ લોકો સામે પોતાના જીવની પરવાહ કર્યા વગર બહાદુરી અને મકમતા સાથે સામનો કરનારા આ પોલીસ અધિકારી-કર્મચારીઓની કાર્યવાહીને બિરદાવી પોલીસદળની સરદહ રેન્જના વડા મહાનિરિક્ષક સુભાષ ત્રિવેદીએ તેમને પ્રત્યેકને રા. ત્રણ-ત્રણ હજારના ઇનામની જાહેરાત કરી હતી. સતાવાર સાધનોએ આ વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસપાર્ટી ઉપરના આ હ્નમલા બાબતે કાવતરૂં રચી, જીવલેણ હ્નમલો કરવા સાથે સરકારી માલમિલ્કતને નુકશાન પંહોચાડવા સહિતની કલમો તળે મહાવ્યથાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તરીકે 36 જણના નામજોગ અને બાકી ટોળામાં સામેલ 100થી 125 ઇસમો વિરૂઘ્ધ ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદમાં જેમનો નામજોગ ઉલ્લેખ છે તે આરોપીમાં જુણા ગામના સુલેમાન સાધક સમા, હસન હાસમ સાલે, ઇશા સાધક, સીદીક મલુક, મહમદ જુશબ, જુશબ મહમદ, પેરાજ મલુક, ઉમર પેરાજ, મામદ્રીન જરાર, મીઠા મામધ્રીન, મજીદ મામધ્રીન, શકુર ઇસ્માઇલ, આલમ સાલે, હનિફ સાલે, કાસમ ભચા, મુસ્તાક કાસમ, હ્નશેન સાધક, સાલે હાસમ, રઝાક ઇસ્માઇલ, કાસમ જુમ્મા, મીસરી જુમ્મા, અમીન મીસરી, ઇલીયાસ મીસરી, ઓસમાણ ઇશાક સમા, અઝિઝ હમીર સમા, મલુક જીવણ સમા, રહીમાબાઇ સુલેમાન સાધક સમા, મારીયતબાઇ ઇબ્રાહીમ સમા, સોનબાઇ મામદ સમા, જાકબ મામદ, હાસમ ફ્નલમામદ, ઇબ્રાહીમ સાધક, અશરફ, રહીમના, સોયબ સુલેમાન સાધક સમા અને રમજાન ઓસમાણનો સમાવેશ થાય છે. ખાવડાના ફોજદાર આ કિસ્સામાં ઘાયલ થયેલા હોવાથી તેમની જગ્યાએ ખાવડાનો ચાર્જ ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર જી.વી. વાણીયાને સોંપાઇ છે. આઇ.જી. શ્રી ત્રિવેદી અને એસ.પી. સૈરભ તોલંબીયાના સીધા માર્ગદર્શન તળે અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની રાહબરીમાં ચાલી રહેલી તપાસ દરમ્યાન આજે સાંજ સુધીમાં આઠ તહોમતદારની ધરપકડ વિધિવત રીતે કરી લેવામાં આવી છે. કેટલાક તહોમતદારો રાઉન્ડઅપ પણ કરી લેવાયા છે. અલબત આ વિશે હજુ સતાવાર ઘોષણા કરાઇ નથી. દરમ્યાન નાનકડા એવા સીમાવર્થી વિસ્તારના જુણા ગામે આજે પણ આખો દિવસ પોલીસની ગાડીઓની આવનજાવન અવિરત રહી હતી. ગામમાં રીતસરના સન્નાટાનું વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસ મહાનિરિક્ષક અને પોલીસ અધિક્ષકે બનાવના સ્થળની અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ભોગ બનેલા સ્ટાફના હાલચાલ પુછયા હતા. આઇ.જી. દ્વારા ખાવડા પોલીસના આ અધિકારી અને કર્મચારીઓની બહાદુરી સાથેની કામગીરીની સરાહના કરતા તેમને પ્રત્યેકને રા.ત્રણ-ત્રણ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ફરિયાદને ટાંકીને પોલીસ સુત્રોએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ખાવડા પોલીસની મોબાઇલ નંબર 1માં ફરજ ઉપરના સ્ટાફે રોયલ્ટી ભર્યા વગરની રેતી ભરીને જતા ટ્રેકટરને ઝડપી પાડયા બાદ આ વાહન પોલીસ મથકે લઇ લેવા કહેતા મામલો બગડયો હતો. આ ટ્રેકટરમાં ચારપાંચ મજુરો અને ડ્રાઇવર હતા. આ વાહન જુણાના સુલેમાન સાધક સમાનું હોવાનું ચાલકે જણાવ્યું હતું. આ સમયે ટ્રેકટર પકડનારા પોલીસ સ્ટાફે ફોન કરીને ફોજદાર અને અન્યોને બોલાવ્યા તે દરમ્યાન લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. ફોજદાર સાથેનો સ્ટાફ સ્થાનિકે પંહોચ્યો તે સાથે જ પથ્થરમારા અને હથિયારો સાથેનો આ હ્નમલો કરાયો હતો. જેમાં પોલીસની ગાડીમાં નુકશાન સર્જવા સહિતના કૃત્યોને અંજામ અપાયો હતો.  ફોજદાર શ્રી જાડેજાને માથામાં ગંભીર ઇજાઓ થવા સાથે 19 ટાંકા આવ્યા છે. મહિપતાસિંહ વાઘેલાને 23 ટાંકા આવ્યા છે. માણેક ગઢવીને માથામાં ગંભીર ઇજા સાથે આઠ ટાંકા આવ્યા છે. તો કેશર પટેલને હાથમાં ઇજા થયેલી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer