ચુડવા સીમમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપી પડાઇ

ગાંધીધામ, તા. 30 : તાલુકાના ચુડવાની સીમમાં આવેલ જવાહનગરની બે ઓરડીમાંથી પોલીસે અંગ્રેજી દારૂની મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી. આ ઓરડીઓમાંથી દારૂ ભરેલી પાંચ બોટલ, ખાલી બોટલ 230, લેબલ, સ્ટીકર, કેરબા વગેરે મળીને કુલ રૂા. 3138નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પરંતુ બે સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યા ન હતા. ચુડવા સીમમાં આ બે શખ્સો સામે જવાહનગર સર્વે નંબર 219/1 પૈકી 1ના રૂમ નં. 2 અને 3માં અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેકટરી ધમધમી રહી હતી. આ અંગે પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગત મોડી રાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામનાં ભારતનગર વિસ્તારમાં રહેનાર લકીરાજસિંહ ધમેન્દ્રસિંહ જાડેજા અને અંતરજાળનો ભાવેશ ડાયાલાલ  આહીર નામના શખ્સો આ મિનિ ફેકટરી ચલાવી રહ્યા હતા. ઓરડીઓનો કબજો ધરાવતા અને મિનિ ફેકટરી ચલાવનાર આ શખ્સો રફૂચક્કર થઇ ગયા હતા. આ બન્ને ઓરડીઓમાંથી પોલીસે દારૂ ભરેલી પાંચ બોટલ, 230 ખાલી બોટલ, રોયલ સ્ટેગ ડીલક્સ વ્હીસ્કી લખેલ સ્ટીકર નંગ 152, રોયલ સ્ટેગ લખેલ માર્કવાળાં પ્લાસ્ટીકનાં બૂચ ઢાંકણા નંગ 306, 35 પ્લાસ્ટીકના કેરબા એમ કુલ રૂા. 3138નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. અગાઉ પણ અંતરજાળમાંથી પોલીસે દારૂ બનાવવાની મિનિ ફેકટરી પકડી પાડી હતી. હવે જવાહરનગરમાંથી પણ આવી ફેકટરી ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી હતી. હાથમાં ન આવેલા બન્ને શખ્સોને પકડી પાહવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer