આપઘાત અને અકસ્માતમાં પાંચ મોત

ગાંધીધામ, તા. 30 : ભુજ તાલુકાના કંઢેરાઈમાં ઝેરી દવા પી લેનાર પાયલબેન અરવિંદ ગોયરા (ઉ.વ. 18)એ સારવાર દરમ્યાન આંખો મીચી લીધી હતી, તેમજ ભુજના સંજોગનગર વિસ્તારમાં ગળેફાંસો ખાઈ જુણસ ઈસ્માઈલ ખત્રી (ઉ.વ. 55)એ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બીજી બાજુ ગાંધીધામમાં પત્નીના વિરહમાં રાજા પાલાભાઈ મહેશ્વરી (ઉ.વ. 54)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું અને ભચાઉમાં ઝેરી દવા પી લઈ નીલીબેન વીરા કારિયા (ઉ.વ. 30)એ આપઘાત કર્યો હતો તથા ભચાઉ નજીક આગળ ઊભેલા ટ્રેઈલરમાં પાછળથી ટ્રેઈલર ભટકાતાં સતીશકુમાર સુરેન્દ્રસિંહ યાદવ (ઉ.વ. 30) નામના યુવાનનું મોત થયું હતું. કંઢેરાઈમાં સામજી ભચુભાઈ આહીરની વાડીએ રહેનાર પાયલબેન નામની યુવતીએ ગત તા. 2/5ના અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં સારવાર દરમ્યાન તેણે આજે છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ ભુજના સંજોગનગરમાં રહેનાર જુણસભાઈ ખત્રી નામના આધેડે આજે સવારે અંતિમ પગલું ભરી લીધું હતું. આ આધેડ આજે પોતાના ઘરે હતા ત્યારે લાકડાની આડીમાં શાલ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કેવા કારણોસર તેમણે અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામનાં જૂની સુંદરપુરી, ચામુંડા ચોક વિસ્તારમાં બન્યો હતો. રાજાભાઈ મહેશ્વરી નામના આધેડે પંખામાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, તેમના પત્નીનું બે-ત્રણ વર્ષ અગાઉ મોત  થયું હતું. પોતાની પત્નીના વિરહમાં આ પગલું લેવાયું હોવાનું પોલીસે ઉમેર્યું હતું. અપમૃત્યુનો ચોથો બનાવ ભચાઉમાં બન્યો હતો. અહીં કસ્ટમ ચારરસ્તા વિસ્તારમાં ગેલાભાઈ કારિયાના ભાડાંના મકાનમાં રહેતા નીલીબેન કારિયાએ છેલ્લું પગલું ભર્યું હતું. 13 વર્ષના લગ્નગાળામાં ત્રણ સંતાનના માતા એવા આ મહિલાએ ઝેરી દવા પી લેતાં તેમને પ્રથમ સ્થાનિકે અને વધુ સારવાર અર્થે ભુજ લઈ જવાયા હતા જ્યાં રસ્તામાં તેમણે આંખો મીચી લીધી હતી. તેમણે કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  તેમજ ભચાઉ નજીક વિરાત્રા હોટેલ પાસે ટ્રેઈલર નંબર જીજે- 12 -બી ડબલ્યુ -0824વાળું ઊભું હતું ત્યારે પાછળથી આવનાર ટ્રેઈલર નંબર જીજે- 12- બીએક્સ- 2789વાળું ભટકાયું હતું, જેમાં પાછળના આ વાહનના ચાલક સતીશ યાદવને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. તેના વિરુદ્ધ હરેશ નારાણદાસ પરિયાણીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer