કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં હાફિઝ સહિત છ ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસની છૂટ

લાહોર, તા. 30 : મોહમ્મદ હફિઝ સહિતના 6 પાકિસ્તાની ક્રિકેટર હવે ઇંગ્લેન્ડ જઇ શકશે. આ ખેલાડીઓનો બીજો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આથી આ તમામ ખેલાડીઓ હવે ઇંગ્લેન્ડમાં પાકિસ્તાની ટીમ સાથે જોડાશે. આ જાણકારી આજે પીસીબીએ જાહેર કરી હતી. જે 6 ખેલાડીઓના કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં મોહમ્મદ હફિઝ, ફખર જમાં, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, મોહમ્મદ હુસનૈન અને વહાબ રિયાઝ છે. આ તમામ વોરસેસ્ટરશાયરમાં ટીમના કેમ્પમાં સામેલ થશે. જ્યાં હાલ પાક. ટીમને કવોરન્ટાઇન કરાઇ છે. પાકિસ્તાનના ચાર અન્ય ખેલાડી કાસિફ ભટ્ટી, હેરિસ રાઉફ, હૈદર અલી અને ઇમરાન ખાન (જુ.)ના કોરોના રિપોર્ટ બીજીવાર પોઝિટીવ આવ્યા છે. આથી આ ચાર ખેલાડી ઇંગ્લેન્ડનો પ્રવાસ લગભગ ગુમાવશે. પાક. ટીમના 20 ખેલાડીઓ રવિવારે ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. પાક. ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસમાં 3 ટેસ્ટ અને 3 ટી-20 મેચની શ્રેણી રમવાની છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer