નખત્રાણામાં માથાભારે ઈસમોનો ત્રાસ : ઓવરટેકના મામૂલી મુદ્દે છરીથી હુમલો

ભુજ, તા. 30 : નખત્રાણામાં માથાભારે શખ્સો ઉધામા મચાવી રહ્યા છે. પોતાનો રોફ જમાવવા નજીવી બાબતે લોકોથી બાખડી રહ્યા છે. ગઈકાલે ઓવરટેકનું મનદુ:ખ રાખી આજે છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે આ જ આરોપીએ નાળિયેરવાળાને પણ મામૂલી નાળિયેરના પાણી બાબતે બચકા ભર્યા હતાં.આ બંને ઘટના અંગે નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલી બે અલગ અલગ ફરિયાદ મુજબ ફરિયાદી મહેશભાઈ હરિલાલ પરમારે જણાવ્યું હતું કે, ગઈકાલે મારા મોટા ભાઈ રાજેન્દ્ર પોતાની રિક્ષા લઈને જતા હતા ત્યારે આરોપી હાસમ ઉર્ફે અપન મામદ હિંગોરજાએ સ્કૂટરથી ઓવરટેક કરતાં સામાન્ય બોલાચાલી થઈ હતી. જેનું તેણે મનદુ:ખ રાખી આજે ફરિયાદી મહેશને આરોપી હાસમ ઉર્ફે અપને છરી વડે હુમલો કરી ખભામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપી એવા સોહેબ ઈશાક હિંગોરજા અને તૌસીફ ફિરોઝ ખલીફાએ લાકડાંના ધોકા વડે મૂઢ માર માર્યો હતો. આરોપીઓએ ફરિયાદી તથા તેના મોટા ભાઈ રાજેન્દ્રને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને જાતિ અપમાનિત કરતાં પોલીસે એટ્રોસીટી અને હથિયારબંધીના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો હતો. દરમ્યાન બીજીતરફ આ જ આરોપી એવો હાસમ ઉર્ફે અપન મામદ હિંગોરજાએ વથાણમાં રેંકડી રાખી નાળિયેર વેચતા શ્રમજીવી એવા અબ્દુલ હુસેન મંધરા સાથે પણ માથાકૂટ કરી હતી. જેમાં આરોપી હાસમે ફરિયાદી અબ્દુલને કહ્યું કે, મને પાણીવાળા નાળિયેર આપ, અબ્દુલે કહ્યું મારી પાસે પાણીવાળા નહીં પણ મલાવાઈવાળા નાળિયેર છે. જેથી આરોપી હાસમ ઉશ્કેરાઈ જઈ અબ્દુલની હથેળીમાં મોઢાથી બટકા ભર્યા હતાં. જેમાં તોસીફ અને સોહેબે છોડાવ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer