ટ્રાફિક મળવા છતાં માતાનામઢ રૂટ બંધ કરાતાં ભાવિકોમાં નારાજગી

ભુજ, તા. 30 : ગત 8મી જૂને મંદિરો ખોલવા મંજૂરી મળ્યા બાદ કચ્છ એસ.ટી. દ્વારા શરૂ કરાયેલા માતાનામઢના રૂટ પૂરતો ટ્રાફિક મળવા છતાં બંધ કરવાનો નિર્ણય લેવાતાં ભાવિકો અને ગ્રામજનોમાં નારાજગીનો સૂર ઊઠયો છે, તો બીજી તરફ આવતીકાલથી તંત્ર દ્વારા દરેક જિલ્લાને જોડતા તમામ એક્સપ્રેસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એસ.ટી. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અનલોક-1માં દેશભરમાં તમામ મંદિરો ખોલવા મંજૂરી મળી હતી, જેના કારણે કચ્છમાં ભાવિકોનાં આસ્થાસ્થાન માતાનામઢ અને હાજીપીર રૂટ એસ.ટી. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. આ રૂટ પર ગત અઠવાડિયા દરમ્યાન પૂરતો ટ્રાફિક મળી રહ્યો હતો છતાં આ રૂટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ નિર્ણયથી દર્શનાર્થીઓ અને ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. દરમ્યાન ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાને જોડતા એક્સપ્રેસ રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો જિલ્લામાં ભુજ-નલિયા, ભુજ-ગઢશીશા, ભુજ-ખાવડાના રૂટ પણ શરૂ કરાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer