પલાયનવૃત્તિ ત્યજી તટસ્થ ચર્ચા કરવી જોઇએ

ભુજ, તા. 30 : શહેર સુધરાઇની સામાન્ય સભામાં આજના અસામાન્ય બનાવો અંગે પૂર્વ પ્રમુખો તેમના સમયગાળામાં કેવી રીતે સમસ્યા-વિવાદો ઉકેલતા તે અંગે જાણવા પ્રયાસ કરાયો હતો. આ અંગે શંકરભાઇ સચદેનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, વર્ષો જૂના પ્રશ્નો માટે ઘરે જ માટિંગ યોજી જેમાં રાજકોટથી મિલિન્દ મહેતા તથા તમામ કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉકેલાયા હતા. અરજદારની ફરિયાદ આવે એટલે ત્વરિત જે-તે શાખાના જવાબદારને સૂચના આપી પ્રશ્ન હલ કરાતો. નગરપાલિકાના બોટમથી ટોપ સુધી તમામ સાથે મળી નિર્વિવાદ પણે લોકસમસ્યા ઉકેલતા હતા.  પદાધિકારીઓએ સમજવું જોઇએ કે, કોઇ પક્ષ કે ચોક્કસ વ્યકિત નહીં પરંતુ આખા શહેરની જવાબદારી તેમના શિરે છે તેવું અરુણભાઇ વચ્છરાજાનીએ જણાવી ઉમેર્યું કે, પલાયનવાદની વાત જ ન હોય અને જો વિપક્ષ સાચો હોય તો તેની વાત સ્વીકારવી જોઇએ. હાલમાં સુધરાઇના કાયદાનો કોઇને ખ્યાલ જ નથી જેથી તમામ બાબત વહીવટી અધિકારી સંભાળે છે. જ્યારે નગરપાલિકાની છાપ લોકોની નજરમાં ખરડાતી હોય ત્યારે પક્ષના મોવડીઓએ દરમ્યાનગીરી કરવી જોઇએ.તો બાપાલાલભાઇ જાડેજા જણાવ્યું કે, તેમના સમયમાં મુખ્ય અધિકારીને નિર્ણય લેવાની સત્તા જ નહોતી અને પદાધિકારી-નગરસેવકો સાથે મળીને જ નિર્ણય લેતા. પણ હાલ તમામ દોરીસંચાર અધિકારીના હાથમાં હોવાથી પ્રશ્નો સર્જાય છે. અગાઉ કમિટીમાં મંજૂર થાય ત્યારબાદ કારોબારીમાં અને ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર થાય તેના બદલે હવે તો અદ્ધરોઅદ્ધર કામ થાય છે.તો, દેવરાજભાઇ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, તેમના કાર્યકાળ દરમ્યાન  સત્તાપક્ષની સાથોસાથ વિપક્ષના કાર્યો પણ થતાં અને લોક સમસ્યાઓ સત્વરે ઉકેલાતી હાલમાં તો સત્તાપક્ષના અગ્રણીઓને તથા સભ્યોને જ દાદ નથી મળતી તે દુ:ખદ કહેવાય. જો કે, આ મુદ્દે આજે અપાયેલા ઠપકા ઠરાવ બદલ સત્તાપક્ષની ટીમને અભિનંદન આપ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer