ભેડ માતાજી મંદિર સામે સાંઢણીવાળાં વથાણમાં દબાણ હટાવો

ભુજ, તા. 30 : ભેડ માતાજી મંદિર સામે આવેલી રાજાશાહી વખતથી સાંઢણીવાળાં વથાણની ગૌચર જમીન પર દબાણ કરી ગેરકાયદે થયેલો કબજો ખાલી કરાવવા પંચાયત તેમજ ગ્રામજનોએ માગણી કરી હતી.ભુજ તાલુકાના મોટા બંદરાના સિમાડે આવેલા જાણીતા પશુપાલકોના ભાતીગળ મેળાવાળાં ભેડ માતાજી મંદિરની સામે દક્ષિણ તરફ મોટા બંદરાના ટાવર્સ સર્વે નંબર 429 વાળી જે જમીન સદીઓથી ગૌચર જમીન છે. તેમજ ભેડ માતાજી (મોમાય માતાજી)ના ભાદરવા મહિને ભરાતા મેળા વખતે પશુપાલકો જમીનનો સાંઢણીઓના આરામ માટેના વથાણ તરીકે ઉપયોગ કરે છે. આ ગૌચર સાંઢણીવાળાં વથાણની જમીન અંદાજે 20 એકર પર દબાણ થયું છે. તે ખાલી કરવા મામલતદાર ભુજ પાસે રજુઆત કરવામાં આવી છે. મોટા બંદરાના સરપંચ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા ગામના તમામ ગ્રામજનોએ મામલતદાર ભુજને આવેદનપત્ર આપી ગૌચર જમીન પરના દબાણને ખાલી કરાવવા રજૂઆત કરી છે. મોમાય માતાજી મંદિર પરિસરની સાંઢણીવાળાં વથાણની જમીન પરનો કબજો ખાલી કરવા તેમજ ગૌચર જમીન માતાજીના મેળા સમયે પશુપાલકો, માલધારીઓ વરસોથી સાંઢણીવાળાં વથાણ તરીકે ઉપયોગ કરે છે તે માટે પંચાયતે કલેકટરને પણ આવેદનપત્રની નકલ મોકલી હોવાનું સરપંચે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer