ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે શિક્ષકો આંદોલનના મૂડમાં

ભુજ, તા. 30 : પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200ને બદલે ઘટાડો કરી 2800 કરી દેવાતાં રોષની લાગણી સાથે શિક્ષકો ઉગ્ર આંદોલનના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, મહામંત્રી કરણાભાઈ આહીરે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ 2009માં ભરતી થયેલા શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળે છે,જ્યારે તેના પછીના વર્ષ 2010 પછી ભરતી થયેલા તમામ શિક્ષકોને ગ્રેડ પે 2800 કરી દેવાયો છે. આ બાબતે ઘણા સમયથી શિક્ષક સમાજ ગુજરાત સરકારના મનસ્વી નિર્ણયનો વિરોધ કરતો આવ્યો છે, તેમ છતાં હજુ સુધી કોઈ નિર્ણય ન આવતાં શિક્ષકો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને તમામ તાલુકા ઘટકો લોકશાહી ઢબે વિરોધ નોંધાવશે. આ અંગે તાજેતરમાં ગાંધીનગર ખાતે મળેલી અધિકારીઓ સાથેની બેઠકમાં સકારાત્મક અભિગમ દર્શાવાયો હોવાથી હકારાત્મક નિર્ણયનો આશાવાદ રાજ્ય સંઘના દિગ્વિજયસિંહે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત શિક્ષકોને સીસીસી પાસ કર્યા તારીખના બદલે મૂળ તારીખથી હાયર ગ્રેડ આપવા, પરીક્ષાની મુદ્દત વધારવા, એચટાટની બદલીનું આયોજન કરવા, તેમને હાયરગ્રેડ આપવા, ઓવરસેટઅપની સંખ્યા ઘટાડવા અને તા. 1લી જુલાઈથી શાળાનો સમય બદલવા સહિતની રજૂઆત કરાઈ હતી, જેના પ્રત્યુત્તરમાં શાળાનો સમય બદલી સવારે 7-30થી 12 રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને શિક્ષક સમાજે વધાવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer