કચ્છમાં કરાર આધારિત 174 મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા ભરાશે

ભુજ, તા. 30 : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલી 174 જેટલી મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની કરાર આધારિત જગ્યા ભરવા રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.ભૌગોલિક દૃષ્ટિએ વિશાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં 67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 442 સબ સેન્ટર કાર્યરત છે, જેમાં કુલ્લ 409 મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરના મહેકમ સામે 235 જગ્યા ભરેલી છે અને 174 ખાલી હતી. તેમજ આ જિલ્લાના વિષમ વાતાવરણને ધ્યાનમાં રાખતાં પાણીજન્ય, વાહક રોગો મેલેરિયા, ડેંગ્યુ, કોંગો ફીવર, સિઝનલ ફ્લુ થવાની શક્યતા વધુ રહેતી હોય છે અને હાલમાં ડેંગ્યુના પણ વધુ કેસ નોંધાયેલા હોઇ તાત્કાલિક આ જગ્યા ભરવા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ફુલાબેન મ્યાજર છાંગાએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતના  પગલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા માન્ય એજન્સી મારફતે કરાર આધારિત મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા ભરવાની મંજૂરી અપાઇ હતી. આ મંજૂરીના પગલે આગામી સમયમાં જ ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer