ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પીવાનાં પાણીનો નીવેડો લાવવા રજૂઆત

ગાંધીધામ, તા. 30 : શહેરના સુંદરપુરી વિસ્તારમાં લાંબા સમયથી પીવાનાં પાણી અને દીવાબત્તી (રોડલાઇટ)ની સમસ્યા સર્જાતાં આ અંગે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. સુંદરપુરીના આહીરવાસ, જોગીવાસ, રબારીવાસ, મણકાવાસ વગેરે વિસ્તારોમાં છેલ્લા છએક મહિનાથી સમસ્યા સર્જાઇ?છે. આ સમસ્યા અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ગટર મિશ્રિત પાણીના નમૂના લઇને પણ?પાલિકામાં આપવામાં આવ્યા છે, પરંતુ આ સમસ્યાનો નીવેડો લાવવામાં આવતો નથી.  આ વિસ્તારોમાં ગટરમિશ્રિત ગંદું પાણી આવે છે અને છેલ્લા ત્રણેક મહિનાથી તે પણ રાત્રે 12 કે  1 વાગ્યે પાણી ચાલુ કરવામાં આવે છે, જેના કારણે મજૂરવર્ગ રાત્રે પાણી માટે જાગે કે પછી સવારે કામે જાય તે પ્રશ્ન થઇ પડયો છે. આ વિસ્તારોમાં રોડલાઇટ પણ નથી જેના કારણે રાત્રિના ભાગે નીકળવું લોકો માટે દુષ્કર થઇ પડયું છે. અગાઉ આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાઓનો હલ આવતો નથી. આ વિસ્તારના લોકો હવે કોને રજૂઆત કરે તેવી લાચારી અનુભવી રહ્યા છે. કાયમી આવેલા મુખ્ય અધિકારી આ સમસ્યાનો નીવેડો લાવે તેવી રજૂઆત અહીંના સુંદરપુરી મિત્રમંડળે કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer