કોરોનાની અસર : ગાંધીધામમાં પરચૂરણ કડિયાકામ કરાવવા મનમાન્યા ભાવ !

ગાંધીધામ, તા. 30 : લોકડાઉનનાં સમાપન બાદ ધીરે ધીરે લોકોમાં કામ કરાવવાની જરૂરિયાત પૂરી કરવાની શરૂઆત થઇ છે. વળી ચોમાસાની  ઋતુ હોવાથી ઘર-આંગણામાં  પાણીના ભરાવા ન થાય કે પાણીની છતના પ્લાસ્ટર વગેરેનાં પરચૂરણ કામો હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે. હાલ મજૂરો-ખાસ કરીને કડિયાકામવાળા સાથે રહેતા હેલ્પરો કચ્છમાં મુખ્યત્વે  પંચમહાલ તરફના હોય છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં  તેમની બજાર ભરાય છે અને તેમને રોજ ઉપર લઇ જવામાં આવે છે. કારણ ગમે તે હોય કદાચ આવા કામ કરનારા હેલ્પરોએ પોતાના વતનની વાટ પકડી હોય અને બાકીના  ગાંધીધામમાં રહી ગયા હોય, પણ હવે આવી છૂટક મજૂરી કરનારા મજૂરો પણ ગરજનો લાભ લેતા હોય તેમ જો તમે જોડીમાં લેશો તો જ કામ કરવા આવીશું અને જોડીના રોજના એક હજાર આપવા પડશે એવું નક્કી કરવામાં આવે છે. અગાઉ પુરુષ મજૂર-હેલ્પરનો ભાવ ગરજ પ્રમાણે ચારસો, પાંચસો- છસ્સો રૂપિયા હતો અને મહિલા મજૂરનો ભાવ બસો-ત્રણસો-ચારસો  રૂપિયા જેટલો હતો, પણ જે કારીગર, સલાટ આવાં કામ માટે બૂક કરવા આવે તે પોતાની મરજી ને કામના પ્રકાર પ્રમાણે પુરુષ કે મહિલા કે બંનેને રોજંદારી ઉપર બોલાવતા ! પણ હવે ના, જોડલાને બુક કરો અને બંને આવીશું ને હજાર રૂપિયા લઇશું. કડિયાકામ કરતા ગોપાલ પ્રજાપતિએ જણાવ્યું કે, મારે છતને ટોચાવી સમારકામ કરવાનું હતું એટલે પ્રથમ દિવસે એક હજાર રૂપિયા આપી ત્રી-પુરુષ બન્નેને બોલાવ્યા, પણ બીજા દિવસે મારી પાસે માત્ર પુરુષ મજૂરની હેલ્પર તરીકે  જરૂર હતી પણ એક જણ આવવા તૈયાર નહોતા. ગરજના ભાવ લેવાની કે ત્રણેક મહિના બેરોજગાર રહેવાની ખોટને વસૂલ કરવાની ભાવના હોય અથવા ગમે તે અન્ય કારણ હોય પણ હવે જોડલા જ કામ ઉપર આવશે તેવી શરત છે. ગોપાલ જાતે જ મજૂરીકામ કરીને છસો રૂપિયા નહીં પણ હજાર રૂપિયા બચાવે છે ! ખરેખર તો કડિયાકામ, લાઇટ ફિટિંગ હોય અથવા આવા અન્ય કામ માટે કોઇ ચોક્કસ પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત દેખાઇ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer