ગાંધીધામ નગરપાલિકામાં ઊધઈ વચ્ચે એ.સી. નખાય છે!

ગાંધીધામ, તા.30 : અહીંની નગરપાલિકા અંગે ગમે તેટલી વાતો થાય પણ ગજ-ચાલમાં કશો ફરજ દેખાતો નથી, પરંતુ હવે તો નગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરીમાં જે અંધાધૂંધી દેખાય છે, તેવી ફરિયાદો ઉઠી હતી. થોડા દિવસો પહેલાં નગરપાલિકાની મુખ્ય કચેરીમાં દરેક ઓરડામાં એસી બેસાડવામાં આવ્યા જ્યારે આવી સગવડ કરવામાં આવે ત્યારે તે ઓરડાની હાલત પણ જોવામાં આવતી હશે, પણ નગરપાલિકામાં દાખલ થતાં જમણા હાથે આવેલી કરવેરા વસૂલ કરવા માટેની કચેરીની દીવાલો ઉપર ઊધઈનાં રાફડા જોવા મળે છે. અતિ મહત્ત્વના દસ્તાવેજો, પ્રજાનાં પૈસાની વિગતો વગેરે જ્યાં સચવાયેલી હોય તે ઓરડામાં ખરેખર તો વિશેષ કાળજી લેવાતી હોવી જોઈએ તેના બદલે અહીં સિનારિયો અલગ જોવા મળે છે. ચારે દીવાલોને અડીને વેરા વસૂલાતનાં રેકોર્ડ ટેબલો-ઘોડા અને કબાટોમાં પડયા છે અને તેની સાથે ઊધઈને જાણે પીરસવામાં આવ્યા હોય તેમ, કદાચ નિરાંતે આ રેકોર્ડ કોરી ખાતી હશે. તપાસ કરતાં જાણવા મળ્યું કે, આખા ઓરડામાં ઊધઈનો ત્રાસ છે. પણ કશા પગલાં હજુ ભરવામાં નથી આવ્યાં! ખરેખર તો ઊધઈ જેવાનાં ત્રાસ માટે અને આવા આવશ્યક રેકોર્ડ જ્યાં સચવાયેલા હોય ત્યાં પેસ્ટ કંટ્રોલ કરાવવો જોઈએ જેથી કાયમી નિરાંત થાય! નગરપાલિકાએ ખરેખર અન્ય ખર્ચમાં કાપ મૂકીને પણ આવી હાનિકારક રાક્ષસી ઊધઈના ત્રાસમાંથી વેરા વિભાગને મુક્ત કરવાની સખત જરૂર છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer