181 અભયમની ટીમએ એઁક મા અને બાળકનું પુન:મિલન કરાવ્યું

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના એક ગામમાં સાત માસનું બાળક છીનવી લઇ સાસરિયાંએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકતાં 181 અભયમની ટીમ આ મહિલાની વહારે આવી હતી. ભચાઉ તાલુકાના એક ગામમાં એક પરિણીતાને તેના સાસુ, સસરા શારીરિક, માનસિક ત્રાસ આપતાં હતાં. આ પરિણીતાના પતિ બોલી નથી શકતા. આ મહિલાને તેના સાસુ અને સસરાએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેમના સાત મહિનાના બાળકને છીનવી લીધું હતું. એક મહિનાથી પોતાના પિયરમાં રહેનારી આ મહિલાએ 181 અભયમની ટીમને ફોન કરતાં નિરૂપાબેન  બારડ અને પ્રેમિલાબેન ત્યાં પહોંચ્યાં હતાં. આ મહિલાએ પોતાની આપવીતી કહી પોતાનું બાળક પરત અપાવવા વિનંતી કરી હતી. દરમ્યાન આ ટીમ મહિલાના સાસરીયે પહોંચી હતી અને તેમને સમજાવી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા આ સાસરિયાં સમજી ગયાં હતાં અને બાળક પરત આપી દીધું હતું. આ ટીમએ એક માને તેનું બાળક પરત અપાવ્યું હતું. આ બનાવમાં આગળની કાર્યવાહી કરવા મહિલાને પોલીસ મથકે લઇ જવાઈ હતી અને જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વાર નિમણૂક કરાયેલા વકીલનો સંપર્ક કરાવી નિ:શુલ્ક કાનૂની સેવા અપાવવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer