ભારતની લાલઆંખ; 59 ચીની એપ પર રોક

નવી દિલ્હી, તા. 29 : સીમા પર લોહિયાળ સંઘર્ષ બાદ વધેલી તાણ વચ્ચે કોઈ પગલાં નહીં લેવાના આરોપોનો સામનો કરતી મોદી સરકારે ચીન વિરુદ્ધ સોમવારે મોટું પગલું લીધું છે. સરકારે લોકપ્રિય એપ ટિકટોક સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુવાનોમાં ભારે લોકપ્રિય ટિકટોકના ચીન અને અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ સંખ્યામાં વપરાશકારો છે. ટિકટોકના ઉપભોક્તાઓનો આંક 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દોઢ અબજ બાદ ટૂંકા ગાળામાં બે અબજને પાર કરી ગયો હતો. સરકારે શેર ઈટ, યુસી બ્રાઉઝર, હેલો, લાઈકી, સીએમ બ્રાઉઝર, વીચાટ, વાયરસ ક્લીનર, સેલ્ફીસીટી સહિતની 59 ચીની એપ પર રોક મૂકી દીધી છે. કેન્દ્ર સરકાર તરફથી જારી આદેશ અનુસાર, સરકારે ચીનની એ 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જે ભારતની સંપ્રભુતા, અખંડિતતા, ભારતની સુરક્ષા, રાજ્યોની રક્ષા માટે પૂર્વગ્રહપૂર્ણ અને જોખમી હતી. અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઈનીઝ એપની એક યાદી તૈયાર કરીને એ તમામ એપ દેશમાં બંધ કરી દેવાની સરકારને અપીલ કરી હતી. દેશના નાગરિકોને પણ આ તમામ ચીની એપ પોતાના મોબાઈલ પરથી હટાવી દેવાની અપીલ કરવા સાથે સુરક્ષા એજન્સીઓ દ્વારા સરકારને સૂચન કરાયું હતું. દેશની તમામ સુરક્ષા એજન્સીઓએ એકીઅવાજે એવી દલીલ આપી હતી કે, ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે. આ જાણીતા ઍપ ઉપરાંત હૅલો, લાઇક મેન, કેમ સ્કેનર, શીન ક્વાઈની સાથે બાયડૂ મેપ, ડીયુ બેટરી સ્કેનર પર પણ પ્રતિબંધ મુકાયો છે. સરકારે આ તમામ ઍપ્સ પર આઈટી ઍક્ટ 2000 અંતર્ગત પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીનની સેના સાથે તાજેતરમાં થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ ચીનની ચીજોની સાથે ઍપ્સ પ્રત્યે પણ લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો. દેશભરમાં ચીની ઉત્પાદનો અને ઍપ્સની હોળી કરવામાં આવી હતી. જોકે ચીનના 59 ઍપ્સ પર પ્રતિબંધનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે કમાંડર સ્તરની ત્રીજા દોરની બેઠક મંગળવારે લદ્દાખના ચુશૂલ ખાતે યોજાવાની છે. ખાસ વાત એ છે કે આ માટિંગ ભારતના કહેવાથી યોજાઈ રહી છે. આ અગાઉ યોજાયેલી બંને માટિંગ ચીનના આમંત્રણ બાદ યોજવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer