અનલોક-2 : કર્ફ્યુ રાત્રે 10થી 5

નવી દિલ્હી, તા. 29 : કોરોના મહામારીને નાથવા માટેના મુખ્ય શત્ર એવા લોકડાઉનના તબક્કાઓ પછી ધીરે-ધીરે સામાન્ય જનજીવનને ખુલ્લા મૂકતા અનલોક-1ની સમયમર્યાદા 30મી જૂનનાં સમાપ્ત થઈ રહી છે. એ પહેલાં કેન્દ્ર સરકારે સોમવારે રાત્રે અનલોક-2ની માર્ગદર્શિકા જારી કરી હતી. ગૃહમંત્રાલયે રાજ્યો માટે જારી કરેલી માર્ગદર્શિકામાં મુખ્યત્વે કોરોના વાયરસના કન્ટેઈનમેન્ટ ઝોનથી બહારના વિસ્તારોમાં અનેક છૂટછાટો વધારવામાં આવી હતી, જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનને સખત બનાવવાની જોગવાઈ સમાવવામાં આવી છે. સૌથી મોટી રાહત રાત્રિ કર્ફ્યુમાં આપવામાં આવી છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી દેશમાં કર્ફ્યૂ રહેશે. જેનો મતલબ એવો થાય કે રાજ્ય સરકારો વેપાર-ધંધાનાં સમયમાં વધુ છૂટછાટ આપી શકશે. અનલોક-2 દરમિયાન પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં પૂર્ણ લોકડાઉન જારી રહેશે અને ત્યાં ફક્ત આવશ્યક ચીજો અને સેવાઓને જ અનુમતિ રહેશે. શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને હજી પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પણ બંધ રહેશે. મેટ્રો રેલ, સિનેમા, જીમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ સહિતને હજી પણ ખોલવામાં નહીં આવે. આવી જ રીતે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રમતગમતનાં મેળાવડા પણ બંધ જ રહેશે. જ્યારે રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની રાહત આપીને હવેથી રાત્રે 10 વાગ્યાથી શરૂ કરીને સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ પ્રભાવી રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે આમાં માલ પરિવહન, વિમાન, બસ, ટ્રેનને તેમનાં ગંતવ્ય સ્થાનો સુધી પહોંચવાની છૂટ રહેશે. આ ઉપરાંત રાતપાળીમાં ઔદ્યોગિક કામોને પણ છૂટ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer