જુણા ડુંગર નજીક પોલીસ પાર્ટી પર ખનિજચોરોનો હુમલો

ભુજ, તા. 29 : કચ્છના નાના-મોટા રણને વીંધીને લખપતથી ઠેઠ સાંતલપુર સુધીના વિશાળ પટ્ટાને જોડતા માર્ગના બાંધકામમાં બેફામપણે ગેરકાયદે ખનિજનો ઉપયોગ થઈ રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે સમી સાંજે પચ્છમના જુણા ગામના ડુંગર પાસે પહોંચેલી પોલીસ પાર્ટી પર કાશ્મીરમાં થાય છે એ રીતે ઝનૂનભેર ભારે પથ્થરોનો મારો કરાતાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. ઘાયલ પી.એસ.આઈ. સહિત બે જણને ગંભીર ઈજા જણાતાં રાત્રે ભુજ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જુણા ગામના 100થી 150 જણે આ હુમલો કર્યો છે તેવું પોલીસ ચોપડે નોંધાયું હતું. પચ્છમના કાઢવાંઢથી રણ વચ્ચે ત્રગડી બેટ થઈને ખડીરથી સાંતલપુર જતો અને લખપત સાંતલપુર નામે ઓળખાતો આ નવો ધોરીમાર્ગ જ્યારથી મંજૂર થયો અને કામ શરૂ થયું ત્યારથી ખનિજ વપરાશના મુદ્દે ચર્ચામાં છે. બેફામ અને બિનધાસ્તપણે ખનિજચોરી કરનારા તત્ત્વો એટલી હદે પેંધા પડી ચૂક્યા છે કે તેઓને પોલીસ પણ અટકાવી શકતી નથી એ આજની ઘટનામાં સાફ થયું છે. ખાવડા પોલીસ સ્ટેશને નિમાયેલા અને ચાર-પાંચ દિવસ અગાઉ હાજર થઇ રજામાં જઇ આજે જ ફરજ પર સત્તાવાર હાજર થયેલા પી.એસ.આઇ. યુવરાજસિંહ પી. જાડેજાએ સાંજે પોતાની ટીમ સાથે જે જગ્યાએ ખનિજચોરી પકડવાની હિંમત કરી એ જગ્યા ગુનેગારો માટે એટલી હદે વ્યૂહાત્મક છે કે કોઇ જાણભેદુ વગર ત્યાં જઇ જ ન શકાય. પચ્છમના પ્રસિદ્ધ કાળા અને ગોરા ડુંગર વચ્ચે બરોબર ગોરા ડુંગરના છેડે પૂર્વ તરફ રણને અડીને સંપર્ક ધરાવતા જુણા-દેઢિયા ગામની છેડે જુણા ડુંગર આવેલો છે જ્યાં પહોંચવાના રસ્તા નથી, સામે દૂર સાધારા ગામ અને રેતી-પથ્થર સહિતનો ખજાનો છે અને ત્યાંથી જ ઉત્ખનન કરાતું ખનિજ સાંતલપુર-લખપત માર્ગમાં બેધડકપણે વપરાય છે. આ વિસ્તાર એટલી હદે નિર્જન છે કે કોઇ ખોદાયેલા પથ્થર-રેતીના ખાડાઓમાં છૂપાયા હોય તો જનારને ખબર જ ન પડે, વળી છૂપાયેલા પોતાને અંધારામાં રાખીને છુટ્ટા હાથે પથ્થરો વરસાવે તો આગંતુક ચારેય તરફથી ઘેરાઈ જ જાય અને આજના કિસ્સામાં પણ એવું જ બન્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક પી.એસ.આઇ. એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સટેબલ, એક ડ્રાઇવર અને પગી સાથે ખનિજચોરોને ઝડપવા સાંજે જુણા ડુંગરે પહોંચ્યા એ સાથે જ સનનન કરતા પથ્થરના વરસાદે પી.એસ.આઇ. યુવરાજસિંહ જાડેજા અને પો.કો. મહિપતસિંહ વાઘેલાના માથા ફાડી નાખ્યા હતા. હેડ કોન્સ. માણશી ગઢવી, ડ્રાઇવર કેસરભાઇ ચૌધરી અને પગી રાયબજી પણ આ પથ્થરોથી આખા શરીરે ઇજાગ્રસ્ત થયા હતા. 100થી વધુ જણનાં ટોળાંની આ પથ્થરબાજી પૂર્વયોજિત હોય તેમ પથ્થરો અટકયા અટકતા નહોતા અને તેથી જ ઘાયલોને ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા ત્યાં પી.એસ.આઇ. શ્રી જાડેજા તથા પોલીસ કોન્સ. મહિપતસિંહની હાલત વધુ ગંભીર જણાતાં ભુજ ખસેડવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ ખાવડા દોડી ગયા હતા, જ્યારે જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા પણ ખાવડા જવા રવાના થઇ ગયા છે. પોલીસની બે વેન ભરીને જવાનો પણ ખાવડા પહોંચતાં રાત દરમ્યાન `ઓપરેશન' હાથ ધરાય તેવી સંભાવના છે.