વાગડમાં ફિલ્મી ઢબે 56 લાખનો અધધ દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 29 : રાપર તાલુકાના ખેડુકાવાંઢથી ભીમાસર આવતા સિંગલપટ્ટી રોડ ઉપર એલ.પી. ગેસ લખેલાં ટેન્કરનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આ ટેન્કરમાંથી રૂા. 56,33,700નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ટેન્કરનો ચાલક ચાલુ વાહને કૂદકો મારી અંધારાંનો લાભ લઇ ઝાડીઓમાં ઓઝલ થઇ ગયો હતો. આડેસરના ફોજદાર એ.પી. જાડેજા અને તેમનો સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન આ ટીમ મોટી હમીરપર ગામે પહોંચી હતી. અગાઉ અહીં પાંચ હત્યાઓ થઇ હોવાથી રાત્રે રાપર સર્કલ પી.આઇ. ડી.એમ. ઝાલા પણ અહીં પેટ્રોલિંગમાં હતા. આ બન્ને વાહનો ખેડુકાવાંઢ થઇ ભીમાસર બાજુ આવી રહ્યાં હતાં. તે વખતે ભીમાસર ગામ બાજુ એલ.પી. ગેસ લખેલું એક ટેન્કર જઇ રહ્યું હતું. આ વાહન અંગે શંકા જતાં સિંગલપટ્ટી રોડ ઉપર પોલીસે તેને ડીપર મારી વાહન રોકાવવા કહ્યું હતું. પરંતુ ટેન્કરના ચાલકે વધુ તીવ્ર ગતિએ પોતાનું વાહન આગળ હંકારી દીધું હતું. પોલીસે સાયરન વગાડી તેનો પીછો કરી તે વાહન ઊભું રખાવવા ઇશારો કર્યો હતો. પરંતુ ચાલકે પોતાનું ટેન્કર ઊભું રાખ્યું નહોતું. ભીમાસર ગામ આવે તે પહેલાં ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારી ચાલુ વાહનમાંથી નીચે કૂદી ગયો હતો અને અંધારાંનો લાભ લઇ બાવળની ઝાડીમાં ઓઝલ થઇ ગયો હતો. પોલીસે પોતાનાં વાહનો ઊભાં રાખી ટેન્કરમાંથી પાના, પકડ કાઢી ઢાંકણા ખોલીને જોતાં તેમાં શરાબની પેટીઓ નીકળી પડી હતી. પરિણામે આર. જે. 14, જી.ઇ. 2434 નંબર વાળું આ ટેન્કર પોલીસ મથકે લઇ જવાયું હતું. આ વાહનના જુદા જુદા ખાનાંઓમાંથી મેકડોવેલ્સ નંબર-1 750 એમ.એલ.ની 8700 બોટલ, રોયલ ચેલેન્જ કલાસિક પ્રીમિયમ વ્હીસ્કી 750 એમ.એલ.ની 4560 બોટલ એમ 13,260 બોટલ કિંમત રૂા. 56,33,700નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. રૂા. 20 લાખના આ ટેન્કરમાંથી પાણીપત હરિયાણા બનાવટનો શરાબ જપ્ત કરાયા બાદ ઓનર પ્રોફેશનલ ઓટોમોટિવ પી.એલ.ટી.ડી. નામની આર.સી. બુકની ઝેરોક્ષ, સુરતારામ થાર હોસ્પિટલની સામે, શાત્રીનગર, બાડમેર, રાજસ્થાનની પેટીએમ દ્વારા ફાસ્ટટેગની નકલ પણ કબજે લેવામાં આવી હતી. આ દારૂ કયાંથી ભરાયો હતો. કોણે ભરી આપ્યો હતો. અહીં કોણ લાવ્યું તથા સ્થાનિકે વાગડ પંથકમાં કે કચ્છના અન્ય ગામના કયા શખ્સે આ દારૂ મંગાવ્યો હતો. તે હજુ કાંઇ જ બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. આ કાર્યવાહીમાં અધિકારીઓ સાથે ભગવાનભાઇ ખાંભલા, રાજેશ વિરમ પરમાર, મહેન્દ્રસિંહ સોલંકી, રાજેશભાઇ રાઠોડ, કાન્તિસિંહ રાજપુત, ભગવાનભાઇ ચૌધરી, પ્રકાશભાઇ ડી. રાઠોડ, બલભદ્રસિંહ વગેરે જોડાયા હતા. વાગડ પંથકમાં આવેલા અમુક ગામડાઓની અમુક વાડીઓમાં ભૂગર્ભ ટાંકા બનાવી તેમાં હજારોની માત્રામાં શરાબની પેટીઓ સંગ્રહાયેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ ગાંધીધામનાં ઝોન આસપાસ પણ ગોદામોમાં શરાબ ઠલવાયો હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક પોલીસ અને સ્થાનિક ગુનાશોધક શાખા નીતિમત્તાથી અને ખંતપૂર્વક તપાસ કરે તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.